INS બ્રહ્મપુત્રામાં આગ લાગતાં જહાજ દરિયામાં એક તરફ નમ્યું, એક ખલાસી ગુમ

July 23, 2024

મુંબઈ બંદરે નૌકાદળના યુદ્ધ જહાજ 'આઈએનએસ બ્રહ્મપુત્રા'માં આગ લાગવાથી એક નાવિક ગુમ થયો છે. INS બ્રહ્મપુત્રામાં 21 જુલાઈની સાંજે જ્યારે મુંબઈમાં નેવલ બેઝ પર તેનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે આગ ફાટી નીકળી હતી. જહાજના કર્મચારીઓએ અગ્નિશામક દળની મદદથી આજે સવાર સુધીમાં આગને કાબૂમાં લીધી હતી.

પરંતુ આગને કારણે જહાજ દરિયાના પાણીમાં એક તરફ નમી ગયું હતું. આ ઘટના અંગે નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ જાણ કરી છે. રાજનાથ સિંહે આ ઘટનામાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરી અને ગુમ થયેલા નાવિકની સલામતી માટે પ્રાર્થના કરી.

નેવીએ કહ્યું છે કે તમામ પ્રયાસો છતાં જહાજને સીધુ કરી શકાયું નથી. જહાજ તેની બર્થ એટલે કે લંગર પાસે વધુને વધુ ઝૂકી રહ્યું છે. હાલમાં તે એક તરફ જૂકી ગયુ છે. નેવી દ્વારા કહેવામાં આવ્યું છે કે એક જુનિયર નાવિક સિવાય જહાજના તમામ કર્મચારીઓને શોધી કાઢવામાં આવ્યા છે. ગુમ થયેલા નાવિકની શોધ ચાલુ છે. ભારતીય નેવીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.