ISROએ અંતરિક્ષની દુનિયામાં રચ્યો ઈતિહાસ, Spadex મિશનનું થયું સફળ લોન્ચિંગ

December 31, 2024

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ સોમવારે રાત્રે 10:00 વાગ્યે શ્રીહરિકોટાથી PSLV રોકેટ દ્વારા તેનું સ્પેડેક્સ મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું છે. ISROએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં 'એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ' ગણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે ISROના આ મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશન (BAS)ના નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ મિશનમાં બે ઉપગ્રહો છે. પ્રથમ ચેઝર અને બીજું ટાર્ગેટ. ચેઝર સેટેલાઈટ ટાર્ગેટ પકડી લેશે. તેની સાથે ડોકીંગ કરશે. આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ થઈ શકે છે. ઉપગ્રહમાંથી એક રોબોટિક આર્મ નીકળશે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટાર્ગેટને પોતાની તરફ ખેંચશે. આ ટાર્ગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે.

આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ભ્રમણકક્ષા છોડીને અલગ દિશામાં જઈ રહેલા ઉપગ્રહોને ફરી ભ્રમણકક્ષામાં લાવવાની ટેક્નોલોજી મળશે. આ ઉપરાંત ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલશે. સ્પેડેક્સ મિશનમાં બે અલગ-અલગ અવકાશયાન અવકાશમાં જોડાતા દર્શાવવામાં આવશે.