કાજોલ-રાનીના કાકા અને પીઢ અભિનેતા દેબ મુખરજીનું અવસાન, બોલિવૂડમાં શોકની લહેર

March 15, 2025

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ધુળેટીના પર્વના દિવસે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અયાન મુખર્જીના પિતા અને દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું નિધન થયું છે. તેમણે આજે હોળી (14 માર્ચ)ના રોજ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાના નિધનના સમાચાર આવતા જ બોલિવૂડમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. બોલિવૂડની અભિનેત્રી કાજોલ અને રાની મુખરજીના કાકા દેબ મુખરજી લાંબા સમયથી બિમાર હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેબ મુખરજીના નિધનથી પરિવાર શોકમાં છે. તેમનું અંતિમ સંસ્કાર આજે 14 માર્ચ, 2025ના રોજ મુંબઈના જુહુ સ્થિત પવન હંસ સ્મશાન ઘાટ પર થશે. તેમની અંતિમ યાત્રામાં બોલિવૂડની અનેક હસ્તીઓ જોડાઈ શકે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો મુખરજી પરિવાર વર્ષોથી લોકપ્રિય છે. દેબ મુખર્જી એક્ટર જોય મુખર્જી અને ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીના નાના ભાઈ હતા. શોમુ મુખરજીએ અભિનેત્રી તનુજા સાથે લગ્ન કર્યા હતા. જેથી દેબ મુખરજી બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને તનિષા મુખરજીનાં કાકા હતા. તેમનો પુત્ર અયાન મુખર્જી એક પ્રખ્યાત ડાયરેક્ટર છે, જેમણે ઘણી સુપરહિટ ફિલ્મ વેક અપ સિડ, યે જવાની હૈ દીવાની અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. કાજોલ આ દુઃખની ઘડીમાં દેબ મુખરજીના પરિવારને સાંત્વના આપવા દેબ મુખરજીના ઘરે પહોંચી છે. રણબીર કપૂર પણ અયાન મુખરજીની દુખઃની ઘડીમાં સાથ આપવા અલીબાગથી પરત ફર્યા છે.