​​ગુજરાતમાં ઉદ્યોગો માટે જમીન મોંઘી થઈ: GIDCના નવા એલોટમેન્ટ રેટ જાહેર, સરેરાશ 15 ટકાનો વધારો

August 14, 2026

ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપવા માંગતા સાહસિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટના નવા ફાળવણી દરો (Allotment Prices) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. નિગમની 526મી બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ આ નવો પરિપત્ર જારી કરાયો છે. GIDCના વહીવટી સંચાલક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 21મી જુલાઈ 2026ના રોજ નિગમની 526મી સભા મળી હતી. આ સંચાલક મંડળની બેઠકમાં ઠરાવ ક્રમાંક 29/હિસાબ/526 હેઠળ નાણાંકીય વર્ષ 2026-27 માટેના નવા દરોને મંજૂરી આપવામાં આવી હતી. આ દરો હવે પછીનો નવો હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

નવા એલોટમેન્ટ રેટની મહત્ત્વની બાબતો

•તાત્કાલિક અમલીકરણ: નવા ફાળવણી દરો 14 ઓગસ્ટ 2026થી જ અમલમાં આવી ગયા છે.
•બહુમાળી શેડ યથાવત: નિગમના બહુમાળી શેડના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
•અન્ય શુલ્ક પર અસર: જમીન વિતરણ, ટ્રાન્સફર ફી અને બિન-ઉપયોગ (N.U.) પેનલ્ટી પર પણ આ નવા દરો લાગુ થશે.
•રહેણાંક પ્લોટના દર: હાઉસિંગ સેક્ટરના પ્લોટના દર ઔદ્યોગિક પ્લોટ કરતાં 1.5 ગણા રહેશે.