કેનેડા-અલાસ્કા ની સરહદે 7.0ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત

December 08, 2025

શનિવારે અલાસ્કા અને કેનેડાની સરહદ નજીકના વિસ્તારોમાં ભૂકંપના (Alaska Earthquake) તીવ્ર ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 આંકવામાં આવી છે. આ વિસ્તારો સમુદ્રથી ઘેરાયેલા હોવાને કારણે ભૂકંપ પછી સુનામીનો ડર હતો, પરંતુ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.

અલાસ્કા અને કેનેડાના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ અલાસ્કા અને કેનેડાના યુકોન ક્ષેત્રની સરહદ નજીક હતું. ભૂકંપની તીવ્રતા ઘણી વધુ હોવા છતાં, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ અલાસ્કાના જૂનોથી લગભગ 230 માઇલ (370 કિલોમીટર) ઉત્તર-પશ્ચિમ અને યુકોનના વ્હાઇટહૉર્સથી 155 માઇલ (250 કિલોમીટર) ના અંતરે હતું.

વ્હાઇટહૉર્સની રૉયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના સાર્જન્ટ કેલિસ્ટા મૅકલિઓડે જણાવ્યું કે, ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે દરેક વ્યક્તિએ તેને અનુભવ્યા હતા અને 911 પર ફોન કોલ્સ આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. યુકોન ક્ષેત્ર એક પહાડી વિસ્તાર છે, જ્યાં માનવ વસ્તી પ્રમાણમાં ઓછી છે. ભૂકંપના ઝટકા લાગતા જ લોકોના ઘરોમાં કબાટ અને દીવાલો પરથી વસ્તુઓ નીચે પડવા લાગી હતી. લોકો ભારે દહેશતમાં આવી ગયા હતા અને તાત્કાલિક ઘરોમાંથી બહાર ખુલ્લી જગ્યામાં દોડી ગયા હતા. જોકે, સત્તાવાર રીતે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી.