અમદાવાદમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

June 13, 2024

અમદાવાદ : અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સાંજે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરના લોકોને રાહત મળી હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પાણી ભરાવના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. 

સાંજે પડેલા મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજી દીધા છે. દરમિયાન, કૃષ્ણનગર, બાપુનગર, ઠક્કરનગર, મણિનગર, ઘોડાસર, નારોલ, ઈસનપુર, રાયપુર, ખાડિયા, વાડજ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. વલસાડ, નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે, પરંતુ આ વખતે ચોમાસું વર્ષ 2023 કરતા 14 દિવસ વહેલુ બેસવાની સાથે ધમાકેદાર એન્ટ્રીને બદલે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં ત્રીજા દિવસે પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ ગઈકાલે જણાવ્યા મુજબ, અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની સંભાવના 15 ટકાથી પણ ઓછી છે. 24મી જૂન બાદ જ અમદાવાદમાં ચોમાસું જામશે. દરમિયાન હવામાન વિભાગના અનુસાર, આગામી 18મી જૂન સુધી અમદાવાદનું મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. 12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.