ટ્રુડોને મોદીએ 4 દિવસ પછી ટ્વીટનો જબાવ આપ્યો

June 10, 2024

નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણી જીત્યા બાદથી તેમને ખૂબ અભિનંદન મળી રહ્યા છે. મોદી તેમને સ્વીકારી રહ્યા છે અને દરેકને જવાબ પણ આપી રહ્યા છે. ગઈકાલે
વડાપ્રધાન મોદીએ 4 દિવસ બાદ અભિનંદન સ્વીકાર્યા હતા. આ અભિનંદન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફથી હતા, જેમણે ભારત પર નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ટ્રુડોએ 6 જૂને મોદીને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, કેનેડા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પીએમ મોદીની સરકાર સાથે કામ કરવા તૈયાર છે. અમે માનવ અધિકાર, વિવિધતા
અને કાયદાના પાલન પર કામ કરીશું. મોદીએ 4 દિવસ પછી ગઈકાલે આનો જવાબ આપ્યો હતો.


ટ્રુડોના ટ્વીટના જવાબમાં મોદીએ લખ્યું, 'તમારા અભિનંદન બદલ ટ્રુડોનો આભાર. ભારત પરસ્પર સમજણ અને એકબીજાની ચિંતાઓનું સન્માન કરીને કેનેડા સાથે કામ કરવા તૈયાર છે.'

હકીકતમાં, કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી ગતિવિધિઓ સામે ભારત સતત વાંધો ઉઠાવી રહ્યું છે. જ્યારે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેમની સામે પગલાં લેતું નથી. પોતાના જવાબ દ્વારા મોદીએ ફરી એ વાતનો
પુનરોચ્ચાર કરવાનો પ્રયાસ કર્યો છે કે, કેનેડા અને ભારતે સંબંધો સુધારવા માટે એકબીજાની ચિંતાઓને સમજવી પડશે.

ટ્રુડો અને મોદી વચ્ચે આ વાતચીત ત્યારે થઈ જ્યારે થોડા દિવસો પહેલા કેનેડાની સંસદીય પેનલે ભારતને તેના માટે બીજો સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો.


ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં સતત ભારત વિરોધી રેલીઓ કરી રહ્યા હતા. ભારતે વારંવાર આ રેલીઓ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં કેનેડા કોઈ પગલાં લઈ રહ્યું ન હતું. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડવા
લાગ્યા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બર 2023માં ભારતમાં G-20 સમિટ યોજાઈ હતી. ટ્રુડો આ માટે ભારત પણ આવ્યા હતા. જો કે, ખાલિસ્તાનીઓના વિવાદને કારણે તે લગભગ તમામ G-20 ઇવેન્ટ્સમાં અલગ-અલગ દેખાયા
હતા. તે G-20 ડિનરમાં પણ સામેલ થયા ન હતા. બંને દેશો વચ્ચે વેપારને લઈને કોઈ ડીલ થઈ શકી નથી.

સમિટ સમાપ્ત થયા બાદ ટ્રુડો તરત જ કેનેડા પરત ફરવાના હતા. આમ છતાં તે 2 દિવસથી ભારતમાં અટવાયેલા હતા. તેનું કારણ તેના પ્લેનમાં ટેકનિકલ ખામી હતી. આના પર ભારતે ટ્રુડોને તેના IAF વન પ્લેનની ઓફર
કરી હતી, પરંતુ કેનેડાએ તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.

ટ્રુડો માટે કેનેડાથી અન્ય પ્લેન મંગાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણસર તેને અધવચ્ચે વાળવામાં આવ્યું હતું. તે સમયસર ભારત પહોંચી શક્યા ન હતા. અંતે જ્યારે ક્ષતિગ્રસ્ત પ્લેનનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે જ
ટ્રુડો 36 કલાક પછી જ તેમના દેશમાં પાછા ફરવા સક્ષમ હતા.

G-20 સમિટમાંથી પરત ફર્યાના 8 દિવસ બાદ જ ટ્રુડોએ પોતાની સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા.