દક્ષિણ ભારતના બે મોટા રાજ્યોમાં NDAનું ખાતું પણ નહીં ખુલે, I.N.D.I.Aને એકમાં ઝટકો

April 15, 2024

દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા કર્ણાટક, કેરળ અને તમિલનાડુના પરિણામને લઈ ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ કર્ણાટકના ચૂંટણી પરિણામમાં ભાજપ દમદાર પ્રદર્શન કરી શકે છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં I.N.D.I.A. ગઠબંધન NDAને મોટો ઝટકો આપી શકે છે. એનડીએને દક્ષિણ ભારતના બે મોટા રાજ્યો તમિલનાડુ અને કેરળમાં સૌથી મોટો ફટકો પડવાનો છે. સર્વે મુજબ ઈન્ડિયા ગઠબંધન તમિલનાડુની તમામ 39 બેઠકો પર અને કેરળની તમામ 20 બેઠકો પર જીત મેળવશે, જ્યારે આ બંને રાજ્યોમાં એનડીએનું ખાતું પણ નહીં ખોલાવી શકે. કર્ણાટકની વાત કરીએ તો અહીં સર્વે મુજબ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. રાજ્યની કુલ 28 બેઠકોમાંથી એનડીએને 23 બેઠકો જ્યારે ઈન્ડિયા ગઠબંધનને પાંચ બેઠકો મળવાની સંભાવના છે. જો રાજ્યના કુલ મતદાનની ટકાવારીની વાત કરીએ તો તેમાંથી તમિલનાડુમાં એનડીએને 19 ટકા, કોંગ્રેસ (Congress)ને 52 ટકા, AIADMK 23 ટકા અને ઈન્ડિયા ગઠબંધનને 52 ટકા મત મળી શકે છે. કેરળમાં ઈન્ડિયા ગઠબંધનને સૌથી વધુ 43 ટકા, એનડીએને 21 ટકા, LDFને 31 ટકા, અન્યને પાંચ ટકા મત મળવાની સંભાવના છે. કર્ણાટકમાં એનડીએને 52 ટકા, ઈન્ડિયા એલાયન્સને 42 ટકા જ્યારે અન્ય પક્ષોના ખાતામાં છ ટકા મત જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુની તમામ 39 બેઠકો પર 19મી એપ્રિલે પ્રથમ તબક્કામાં જ્યારે કેરળની તમામ 20 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે કર્ણાટક કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં જ્યારે બાકીની 14 બેઠકો માટે 7 મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે.