T20 વર્લ્ડકપમાં વધુ એક મેજર અપસેટ, ન્યૂઝીલેન્ડ 75 રનમાં સમેટાઈ, અફઘાનનો 84 રનથી વિજય

June 08, 2024

અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ધૂળ ચટાડી દીધા છે. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન બનામ ન્યૂઝીલેન્ડ મેચમાં અફઘાનિસ્તાને ઐતિહાસિક જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 75 રનમાં સમેટી અફઘાનિસ્તાને 84 રન સાથે જીત હાંસલ કરી હતી. ટી20 મેચ અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ પ્રથમ ઐતિહાસિક જીત છે. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 આંતરરાષ્ટ્રીય મેચોમાં હરાવી છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ મેચમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત હરાવી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 159 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 75 રન જ બનાવી શકી હતી.  અફઘાનિસ્તાનની ટીમની જીતના હીરો રહમાનુલ્લાહ ગુરબાજ રહ્યા હતા. જેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. તે  મેચનો પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ઈબ્રાહિમ ઝાદરાને 44 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલર ફજલહક ફારૂકી અને કેપ્ટન રાશિદ ખાને 4-4 વિકેટ ઝડપી હતી. ફારૂકી ટી20 મેચમાં 4થી વધુ વિકેટ ઝડપનાર અફઘાનિસ્તાનના પ્રથમ બોલર છે. આ મેચમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ (80 રન, 56 બોલ, 5 ચોગ્ગા અને 5 છગ્ગા) અને ઈબ્રાહિમ ઝાદરાને (44 રન, 41 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા) અફઘાનિસ્તાન માટે પ્રથમ વિકેટ માટે 103 રન બનાવ્યા હતા. ઝાદરાન આઉટ થયા બાદ અઝ્મતુલ્લા ઓમરઝાઈએ 13 બોલમાં 22 રન બનાવ્યા. પરંતુ બાદમાં અફઘાનિસ્તાન ટીમની વિકેટ સતત પડતી રહી. આ રીતે તે 20 ઓવરમાં 159/6 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીને 2-2 વિકેટ મળી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસનને 1 સફળતા મળી હતી. 160 રનનો પીછો કરતાં ન્યુઝીલેન્ડની ટીમની બાજી અફઘાનિસ્તાનના બોલરોએ બગાડી હતી. ન્યૂઝીલેન્ડની ઈનિંગની પહેલી જ ઓવરના પહેલા બોલ પર ફિન એલન શાનદાર ઇનસ્વિંગ બોલ પર ફઝલહક ફારૂકીના હાથે ક્લિન બોલ્ડ કર્યો હતો.