સંસદમાં ગૂંજ્યો અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો મુદ્દો, હાથકડી પહેરીને પહોંચ્યા વિપક્ષી સાંસદ

February 06, 2025

બજેટ સત્રના પાંચમા દિવસે અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવાના મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. આ સાથે જ વિપક્ષના સાંસદોએ 'સરકાર શરમ કરો'ના નારા લગાવ્યા હતા.

હાથકડી પહેરીને પહોંચ્યા વિપક્ષી સાંસદ

વિપક્ષ સાંસદોએ સંસદની બહાર હાથકડી પહેરીને પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ હાથકડી પહેરેલા જોવા મળ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર સહિત ઘણા સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

વિપક્ષે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવાના મુદ્દા પર ચર્ચાની માંગણી સાથે સંસદના બંને ગૃહોમાં હંગામો કર્યો, ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: મહાકુંભમાં સ્નાન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓના વાહનની બસ સાથે ટક્કર, પિતા-દીકરીનું મોત, 10 ઘાયલ

દેશનિકાલ મુદ્દે લોકસભામાં પણ હોબાળો 

વિપક્ષના સાંસદોએ અમેરિકામાં દેશનિકાલના મુદ્દે લોકસભામાં પણ હોબાળો કર્યો હતો. તેના પર લોકસભા સ્પીકરે કહ્યું કે, 'આ વિદેશ નીતિનો મામલો છે, તેના પર વધારે હંગામો કરવાની જરૂર નથી.' ત્યારબાદ લોકસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.