કેનેડા-મેક્સિકો સામે ઉગામેલી ટેરિફની તલવાર ટ્રમ્પે મ્યાનભેગી કરી, કારણભૂત છે અમેરિકન ગરજ
February 06, 2025
અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા મળતાં જ પોતાના આકરા સ્વભાવનો પરચો દેખાડવા માંડ્યો છે. કેનેડા, મેક્સિકો અને ચીન જેવા દેશો પર તેમણે ટ્રેરિફનો કોરડો વીંઝી દીધો, જેને લીધે દુનિયા આખી ચોંકી ગઈ. ચીન પર 10 ટકા અને કેનેડા-મેક્સિકો પર તો 25 ટકા જેટલો જંગી ટેરિફ લાદીને ટ્રમ્પે વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ખલબલી મચાવી દીધી. પ્રતિબંધ 1 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવાયો હતો, પરંતુ પછી ગણતરીના કલાકોમાં રદ પણ કરી દેવાયો! આરંભે શૂરા જેવા ટ્રમ્પ એકાએક ફૂસકાઈ ગયા, એની પણ સૌને નવાઈ લાગી. જાતભાતની શેખી મારતા ટ્રમ્પે ટેરિફને મુદ્દે પીછેહઠ કેમ કરવી પડી, એ જાણવા માટે વાતને વિગતે સમજીએ.
ગાજ્યા મેઘ વરસ્યા તો ખરા, પણ વરસીને બહુ ઝડપથી વસૂકી પણ ગયા, કારણ કે અમેરિકાએ છેડેલા ટેરિફ વોરથી ડર્યા વિના કેનેડા અને મેક્સિકોએ પણ સામા ટેરિફ-તીર ફેંક્યા. બંને દેશે અમેરિકા સામે 25 ટકા ટેરિફ લાદી દીધો, જેની કદાચ ટ્રમ્પને કલ્પના નહોતી. એમને તો એમ હતું કે કમજોર પડોશીઓ ડરી જશે, પણ અહીં તો પડોશીઓએ સામા ઘૂરકિયાં કર્યા, જેથી ટ્રમ્પે ટ્રેરિફ-વોરને પૉઝ મોડમાં મૂકી દેવું પડ્યું.
લાલો લાભ વિના ન લોટે એમ ટ્રમ્પ પણ અમસ્તા કંઈ એમની ટેરિફ-તલવાર મ્યાનભેગી કરી ન લે. એમણે અમેરિકાના લાભ વિશે વિચારીને જ ટેરિફ પર બ્રેક લગાવી છે, અને એ લાભ છે બિઝનેસ. કેનેડા, મેક્સિકો અને ચીન સાથે અમેરિકા વાર્ષિક 2 ટ્રિલિયન ડોલરનો વ્યાયાર કરે છે, જે ગુમાવવો, કે પછી એમાં મેખ મારવી અમેરિકાને પોસાય એમ જ નથી. અમેરિકા તેના કુલ વેપારના 40 ટકાથી વધુ વેપાર આ ત્રણ દેશો સાથે કરે છે.
મેક્સિકો-કેનેડા સાથેના વેપારમાં અમેરિકાનો હાથ ઉપર કે નીચે?
વર્ષ 2024 માં મેક્સિકો સાથે અમેરિકાનો કુલ વેપાર 776 બિલિયન ડોલરનો થયો હતો. મેક્સિકોમાં અમેરિકાની નિકાસ 309 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે આયાત 476 બિલિયન ડોલર હતી. કેનેડા અમેરિકાનું બીજા નંબરનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અમેરિકા અને કેનેડા વચ્ચે વર્ષ 2024 માં 700 બિલિયન ડોલરનો વ્યાપાર થયો હતો, જેમાં કેનેડામાં અમેરિકાની નિકાસ 322 બિલિયન ડોલરની હતી અને આયાત 377 બિલિયન ડોલરની હતી. આંકડાંઓ પરથી સ્પષ્ટ થાય છે કે, મેક્સિકો અને કેનેડા સાથેના વ્યાપાર દ્વારા અમેરિકા જેટલું કમાય છે, એના કરતાં મેક્સિકો અને કેનેડા વધારે કમાય છે.
અમેરિકા, મેક્સિકોમાંથી વાહનો અને એના ઓટોમોટિવ પાર્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ મશીનરી, ઈંધણ, મશીનરી, શાકભાજી અને ફળ જેવા કૃષિ ઉત્પાદનો, ધાતુઓ, પ્લાસ્ટિક, રસાયણો, કપડાં અને ફર્નિચરની આયાત કરે છે. મેક્સિકો, અમેરિકા પાસેથી મશીનરી, ઈલેક્ટ્રિકલ સાધનો, ખનિજ, મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો ખરીદે છે.
કેનેડા પાસેથી અમેરિકા પેટ્રોલિયમ ઉત્પાદનો, કુદરતી ગેસ, વીજળી, યુરેનિયમ, કાર, મશીનરી, ધાતુઓ, સોનું અને અનાજની ખરીદી કરે છે. કેનેડા અમેરિકા પાસેથી વાહનો, કમ્પ્યુટર સહિતના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી ચીજોની ખરીદી કરે છે.
અમેરિકા સામે કેનેડા-મેક્સિકોએ 25 ટકા ટેરિફ લાદી દેતાં એની ગંભીર અસર અમેરિકાના અર્થતંત્ર પર પડત. બંને દેશોમાંથી અમેરિકા આવતી ચીજો અમેરિકામાં અત્યંત મોંઘી થઈ ગઈ હોત અને ફુગાવો વધી જાત. ટ્રમ્પના ટેરિફ સામે ઝીંક ઝીલવા મેક્સિકો અને કેનેડા અમેરિકામાંથી આયાત ઘટાડીને ચીન જેવા અમેરિકાના કટ્ટર સ્પર્ધક સાથે વ્યાપાર વધારી દેત તો ટ્રમ્પ માટે ‘બાવાના બેઉ બગડ્યા’ જેવો ઘાટ થાત. અમેરિકા નબળું પડત અને ચીન તગડું થાત! આથી ટ્રમ્પે સમયસર ચેતીને ટેરિફ વોરને પૉઝ મોડમાં મૂકી દીધું છે.
ટ્રમ્પે કેનેડા અને મેક્સિનો પરના ટેરિફને સમૂળગો રદ નથી કરી દીધો. તેમણે ટેરિફને 30 દિવસ માટે સ્થગિત કરી દીધો છે, જેથી પડોશી દેશો સાથે વાતચીત કરીને આ મુદ્દે સમાધાન મેળવી શકાય. 30 દિવસ પછી તેલ અને તેલની ધાર જોઈને ટ્રમ્પ આગળનો નિર્ણય લેશે. અલબત્ત, તેમણે ચીન પર મૂકેલા 10 ટકા ટેરિફને જાળવી રાખ્યો છે.
કેનેડા અને મેક્સિકો બંનેએ ટ્રમ્પને અમુક આશ્વાસન અને અમુક વચન આપ્યા છે, જેને લીધે ટ્રમ્પ કૂણા પડ્યા છે. કેનેડાએ સરહદ પર થતી ગેરકાયદેસર માનવ-તસ્કરી અને ડ્રગ્સની દાણચોરી રોકવાનું વચન આપ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકા-કેનેડાની સરહદ પર સુરક્ષા માટે વધારાના 1.3 બિલિયન ડોલર ખર્ચવાની તૈયારી બતાવી છે. આ નાણાંથી નવા ચોકીયાત હેલિકોપ્ટર ખરીદવામાં આવશે અને સૈનિકોની તૈનાતી વધારવામાં આવશે.
મેક્સિકોએ પણ ટ્રમ્પને વચન આપ્યું છે કે, સરહદ પરથી ઘૂસણખોરી રોકવા માટે મેક્સિકો વધુ 10,000 સૈનિકોને સરહદ પર તૈનાત કરશે. અમેરિકા સાથેનો વ્યાપાર મેક્સિકો માટે વધુ મહત્ત્વનો હોવાનું મેક્સિકોએ જણાવ્યું છે.
આ સમગ્ર મુદ્દે સ્પષ્ટ થાય છે કે, અમેરિકા, કેનેડા અને મેક્સિકોના ત્રિકોણીય વ્યાપારી સંબંધોમાં ગાબડું પડે તો ત્રણે દેશ ખોટમાં જાય એમ હોવાથી આખરે ટ્રમ્પે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. ત્રણે દેશો વ્યાપાર બાબતે એટલી હદે પારસ્પરિક નિર્ભરતા ધરાવે છે કે, અળવીતરું પગલું ભરવાનું જોખમ કોઈ લઈ શકે એમ નથી. બડબોલા ટ્રમ્પ હાલ પૂરતાં તો ટાઢા પડ્યા છે, પણ આ બાબતે તેઓ વળી કોઈ નવું ઊંબાડિયું નહીં ચાંપે, એની કોઈ ગેરંટી નથી.
Related Articles
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્યા ! 25% ટેરિફ લાદવાનો નિર્ણય 1 મહિના માટે પડતો મૂક્યો
કેનેડાની વળતી કાર્યવાહી સામે ટ્રમ્પ ઝૂક્...
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને...
Feb 02, 2025
ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી ઉમેદવાર ચંદ્ર આર્યાને કેનેડાના વડાપ્રધાનની રેસથી હટાવ્યાં!
ટ્રુડોની પાર્ટીનો ભારતને ઝટકો, ભારતવંશી...
Jan 27, 2025
કેનેડા ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં 3300 કર્મચારીની છટણી કરશે, જાણો ભારતીયોને શું થશે અસર
કેનેડા ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં 3300 કર...
Jan 25, 2025
'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનું નથી...' 25% ટેરિફ લાદવાના ટ્રમ્પના પ્લાન સામે ટ્રુડોની ચેતવણી
'કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂકવાનું નથી....
Jan 22, 2025
ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ પણ વડાપ્રધાનની રેસમાંથી ખસી ગયા, ટ્રુડોનું સ્થાન કોણ લેશે?
ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદ પણ વડાપ્રધ...
Jan 13, 2025
Trending NEWS
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
05 February, 2025
Feb 05, 2025