ચેટજીપીટી અને ડીપસીકનો ઉપયોગ કરનારા સાવધાન, કેન્દ્રએ સરકારી કર્મચારીઓને ચેતવ્યા

February 05, 2025

હાલમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની બોલબાલા છે. કેન્દ્ર સરકાર પણ આ ટૂલને લઇને સજાગ જોવા મળી છે. જો કે AIના જેટલા ફાયદા એટલા જ ગેરલાભ પણ છે. ત્યારે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને AI અને DeepSeekને લઇને એક આદેશ જાહેર કર્યો છે. જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek વગેરે) નો ઉપયોગ કરે છે, જે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે.

કેન્દ્ર સરકારના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને ઉપકરણોમાં AI એપ્સ અને ટૂલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. ડેટા અને ગોપનીયતાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, તેઓ આનાથી AI વપરાશકર્તાઓને નિરાશ કરવા માંગતા નથી.