ન હોસ્પિટલમાં કે ન તો મડદા ઘરમાં.. મહાકુંભમાં નાસભાગ બાદ હજુ અનેક ગુમ, પરિજનો ભટકવા મજબૂર

February 05, 2025

સરકારી આંકડાઓ અનુસાર, મૌની અમાવસ્યાના સ્નાન સમયે નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા અને 60 લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 7 દિવસ બાદ પણ ઘણા ભક્તોની શોધખોળ ચાલુ છે. આ એવા લોકો છે કે ઘાયલોની યાદી, મૃતકોની યાદીમાં કે દાવો ન કરાયેલા મૃતદેહોની યાદીમાં તેમના નામ સામેલ ન હોય. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે 29 જાન્યુઆરીના રોજ થયેલા અકસ્માત બાદ આ લોકો ક્યાં ગયા? જો કે પ્રયાગરાજમાં ઘણી મોટી હોસ્પિટલો છે, પરંતુ સરકારી તંત્રમાં બે હોસ્પિટલ સૌથી મોટી છે. એક સ્વરૂપ રાની હોસ્પિટલ અને બીજી મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજ. સ્વરૂપ રાની હોસ્પિટલના ગેટથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી, 29 જાન્યુઆરીએ સંગમથી ગુમ થયેલા લોકોની તસવીરો દરેક જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવી છે. પરિવારના સભ્યોએ માહિતી આપવા માટે નંબર અને યોગ્ય ઈનામની પણ જાહેરાત કરી છે. પરંતુ તેમ છતાં આ લોકો વિષે કોઈ જ જાણકારી નથી મળી રહી.  પ્રશાસને કુંભમાં નાસભાગમાં મૃત્યુઆંક 30 જાહેર કર્યો છે. જેમાં માત્ર પાંચ જ મૃતદેહો હતા જે અજ્ઞાત હતા. પરંતુ આ નાસભાગમાં તેજય પટેલ, રાજકુમારી પારીક, મીના દેવી, સીતા દેવી જેવા અનેક લોકો એવા છે કે જેઓ ન તો હોસ્પિટલમાં ઘાયલ છે અને ન તો સરકારી આંકડામાં મૃત્યુ પામેલા લોકોમાં, તો આવા લોકો ક્યાં ગયા?