નોઈડાની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

February 05, 2025

ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના નોઈડાની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આજે સવારે આ શાળાઓને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેના પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જે સ્કૂલોને ધમકી આપવામાં આવી છે તેમાં હેરિટેજ સ્કૂલ અને મયૂર સ્કૂલનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ તમામ જગ્યાએ સ્થિતિ સામાન્ય છે. ઘણી શાળાઓમાં વર્ગો ફરી શરૂ થયા છે.

નોઈડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિગતવાર તપાસ શરૂ કરી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચી ગઈ છે અને સાવચેતીના પગલા તરીકે વિદ્યાર્થીઓને સલામત સ્થળે એકઠા કરવામાં આવ્યા છે. હજુ સુધી એક પણ શાળામાંથી વાંધાજનક વસ્તુ મળી આવી નથી. બોમ્બ સ્કવોડ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ શાળાઓમાં તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ કેટલીક શાળાઓમાં ફરીથી વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.