મને મારવાનો પ્રયાસ પણ કર્યો તો... ઇરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી

February 05, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ દબાણ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કરતાં ઈરાનને ધમકી આપી છે કે, જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો હું તેને બરબાદ કરી નાખીશ. જો ઈરાન તેના પરમાણુ હથિયાર સંબંધિત પ્રોજેક્ટ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર વધુ પ્રતિબંધો લગાવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, 'મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે, જો ઈરાન આપણા પર હુમલો કરે તો તેનો સંપૂર્ણપણે ખાતમો બોલાવી દેવો. જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો ઈરાનને નષ્ટ નાબૂદ કરજો. ઈરાન પાસે પરમાણુ હથિયાર નથી.' ઈરાનને ખુલ્લેઆમ ધમકી આપવાની સાથે ટ્રમ્પે ઈરાનના પ્રતિનિધિઓની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના ઈરાન પ્રત્યે આકરા વલણો અને પ્રતિબંધોના કારણે અનેકવાર ધમકી મળી ચૂકી છે. હાલમાં જ ચૂંટણી પ્રચાર કરતી વખતે ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. જો કે, તેમની હત્યાનો પ્રયાસ ઈરાને કર્યો ન હોવાનું અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.  ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે પ્રથમ કાર્યકાળમાં 2020માં ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરની શાખા કુદ્સ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા કાસિમ સુલેમાનીની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી ટ્રમ્પની સુરક્ષા મુદ્દે ચિંતા વધી હતી. અમેરિકાની સુરક્ષા એજન્સી એલર્ટ બની છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઈરાન વચ્ચેના આર્થિક સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં સતત ખરાબ થઈ રહ્યા છે. અગાઉ પણ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. જેના પગલે ઈરાન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. 2018માં અમેરિકાએ ઈરાન સાથેનો પરમાણુ કરાર પણ તોડી નાખ્યો હતો.