વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 6 શહેરનો સમાવેશ

March 11, 2025

વિશ્વભરમાં પ્રદૂષણ પર પ્રકાશિત થયેલા તાજેતરના રિપોર્ટમાં ભારતની ભાગીદારીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે, જેમાં આસામનું બર્નિહાટ ટોચ પર છે. સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQAir દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર, દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રદૂષિત રાજધાની છે, જ્યારે ભારત 2024માં વિશ્વમાં પાંચમું સૌથી પ્રદૂષિત દેશ રહ્યું છે. જો કે, વર્ષ 2023માં તે ત્રીજા સ્થાને હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં PM 2.5 સાંદ્રતા 2023માં 54.4 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરખામણીએ 2024માં 7 ટકા ઘટીને સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર થવાની ધારણા છે. તેમ છતાં, વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી છ ભારતમાં છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યું, વાર્ષિક સરેરાશ PM 2.5 સાંદ્રતા 91.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે, જે વર્ષ 2023માં લગભગ 92.7 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી.

વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં સમાવિષ્ટ 13 ભારતીય શહેરો છે
બર્નિહાટ, દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઇડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઇડા.