કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા તત્પર, અમેરિકા સામે બાંયો ચડાવી

March 11, 2025

ઓટ્ટાવા : કેનેડાના શાસક પક્ષ લિબરલ પાર્ટીના નવા ચૂંટાઈ આવેલા નેતા અને ભાવિ વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. તેમના પુરાગામી ટ્રેડેયુના સમયમાં કેનેડાના ભારત સાથેના સંબંધો તળિયે પહોંચી ગયા હતા. તેમણે લગભગ ૮૬ ટકા મત સાથે લિબરલ પાર્ટીની લીડરશિપમાં વિજય મેળવ્યો હતો. 

એકબાજુએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા પર ટેરિફ લાદવાની ધમકીઓ આપી રહ્યા છે ત્યારે કેનેડાના નવા ભાવિ વડાપ્રધાને ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય લઈ લીધો છે. તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે કેનેડા તેના જેવા દેશો સાથે સમકક્ષ વ્યાપારી સાથે સંબંધો બાંધવા માંગે છે અને નવી દિલ્હી તેમાનું એક છે. 

માર્ક કાર્ની કરતાં ભારત સાથેના વ્યાપારી સંબંધોનું મહત્ત્વ બીજું કોઈ સમજે તેવી સંભાવના પણ નથી, કારણ કે તેઓ બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બન્યા તેના પછી બ્રૂકલીન બોર્ડ ઓફ એસેટ મેનેજમેન્ટના વડા રહી ચૂક્યા છે. આ એજ એસેટ મેનેજમેન્ટ કંપની છે જેની માલિકીની બૂ્રકફિલ્ડે ભારતમાં રિયલ્ટી, રીન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં જંગી રોકાણ કર્યુ છે.તેમણે જાન્યુઆરીમાં જ આ હોદ્દો છોડયો હતો.

કેનેડા અને ભારત બંને ટ્રમ્પના ટેરિફનો સામનો કરી રહ્યા છે ત્યારે ઓટ્ટાવાની સંબંધો સુધારવાની વાતનો નવી દિલ્હીએ પણ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આના પગલે દિલ્હીની કેનેડા સમક્ષ ભારતીયોને વિઝા આપવાના મર્યાદિત કરાયા અને નવી કેનેડિયન સિટિઝનશિપ માટેના વિઝાના ધારાધોરણો આકરા કરવામાં આવ્યા તે વિનંતીનો પડઘો પણ પડી શકે છે. આ ઉપરાંત તેઓ ખાલિસ્તાનવાદીઓની આળપંપાળમાં જરા પણ માનતા ન હોવાથી ભારતના આ મોરચે ઘણી શાંતિ રહેશે તેમ મનાય છે.

તેમણે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ અંગે સામાન્ય કેનેડિયનોની લાગણીનો પડઘો પાડતા જણાવ્યું હતું કે કોઈ આપણા અર્થતંત્રને નબળું પાડવા પ્રયત્ન કરી રહ્યુ છે, આપણે જે બનાવીએ છીએ, વેચીએ છીએ અને આપણે જે રીતે જીવન પસાર કરીએ છીએ તેના પર અયોગ્ય રીતે ટેરિફ લગાવાયા છે. આ કેનેડિયન કુટુંબો, શ્રમિકો અને કારોબારો પર હુમલો છે. અમે તેને સફળ થવા નહીં દઇએ. અમેરિકા જ્યાં સુધી અમને સન્માન નહીં આપે ત્યાં સુધી વળતા ટેરિફ જારી રહેશે. તેમણે તેમના ટોનમાં ધમકીભર્યો સૂર લાવતા જણાવ્યું હતું કે આ લડાઈ અમે શરૂ કરી ન હતી, પણ હવે જો કોઈ લડવા જ માંગતુ હોય તો કેનેડિયન તેના માટે હંમેશા તૈયાર રહે છે.