બ્રિટનમાં દરિયામાં ઓઈલ ટેન્કર અને કાર્ગો જહાજ અથડાતા આગ લાગી

March 11, 2025

સોમવારે પૂર્વી ઈંગ્લેન્ડના દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર અને એક કાર્ગો જહાજ સામસામે અથડાયા, જેના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોને સુરક્ષિત રીતે કિનારા પર લાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. હાલમાં એ સ્પષ્ટ નથી કે બંને જહાજો કેવી રીતે અથડાયા.

ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે વિન્ડકેટ-33 જહાજ પર 13 ઘાયલ લોકોને લાવવામાં આવ્યા, ત્યારબાદ બંદર પાઈલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા. યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે, જે રસાયણો અને તેલ ઉત્પાદનોથી ભરેલું હતું. કાર્ગો જહાજ પર પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતાા.

સ્ટેના બલ્કના સીઈઓ એરિક હેનેલે જણાવ્યું હતું કે જહાજના 20 થી વધુ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને કહ્યું કે અથડામણના કારણ વિશે કંઈ પણ કહેવું હજુ વહેલું ગણાશે. યુકે મેરીટાઈમ અને કોસ્ટગાર્ડ એજન્સી મુજબ ઘટનાસ્થળે ઘણી લાઈફબોટ અને કોસ્ટ ગાર્ડ રેસ્ક્યૂ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. વધુમાં, નજીકના અનેક ફાયર બ્રિગેડ જહાજો અને કોસ્ટ ગાર્ડનું વિમાન હાજર હતું.