પાકિસ્તાને ફરી વર્લ્ડ ક્રિકેટમાં નાક કપાવ્યુ,રચિન રવિન્દ્ર લોહીલુહાણ

February 10, 2025

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગદ્દાફી સ્ટેડિયમની તસવીરો અને વીડિયો શેર કરીને પોતાના પર ગર્વ અનુભવ્યો હતો. બોર્ડે કહ્યું કે ગદ્દાફી સ્ટેડિયમ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે, ટૂર્નામેન્ટ પહેલા જ મેદાન ખુલ્લું પડી ગયું છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં આવો અકસ્માત થયો હતો, જેના કારણે પીસીબીની ચારે બાજુથી ભારે ટીકા થઈ રહી છે.

રચિન રવિન્દ્ર મેદાન પર ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો. ફ્લડ લાઇટના પ્રકાશમાં બોલને ઝડપથી પોતાની તરફ આવતો જોયો નહીં અને બોલ સીધો તેના કપાળ પર આવી ગયો. તે નસીબદાર હતું કે બોલ રચિનની આંખ કે ચહેરા પર વાગ્યો ન હતો. જોકે, બોલ વાગતાં કિવી ખેલાડી લોહીથી લથબથ થઈ ગયો હતો.

રચિન સાથે બનેલી આ દુ:ખદ ઘટના માટે પ્રશંસકો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જવાબદાર ઠેરવી રહ્યા છે. રચિન રવિન્દ્રની ઈજા બાદ ચાહકોએ PCBને આડે હાથ લીધું છે. સોશિયલ મીડિયા પર પ્રશંસકો ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની તૈયારીઓને લઈને વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પ્રશંસકો રચિનની ઈજા માટે ખામીયુક્ત ફ્લડલાઈટને જવાબદાર માની રહ્યા છે.