અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ

December 21, 2024

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુઘડીયા ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. બેટરી બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

મળતી માહિતી અનુસાર પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઇ સુખડીયા કારકૂન તરીકે નોકરી કરે છે અને રૂપેન બારોટ નામના વ્યક્તિના છેડાછેડાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઇને અંગત અદાવત હોવાથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અગાઉ ભોગ બનનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન - ગોદાવરી વિસ્તારના છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેથી અન્ય આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.