મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી

December 20, 2024

મોરબી- મોરબીના અલગ અલગ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. મોરબીના ટંકારા, હળવદ અને સુંદરી ભવાની, રાયસંગપર, રણમલપુર, ચંદ્રગઢ(લીલાપર) અને ઢવાણાથી નકલી ડૉક્ટરોને ઝડપી પાડી આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી છે. 


જાન્યુઆરી 2024 : પોરબંદરના રાણા વાડોત્રા મુખ્ય બજાર પાસે વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા (ઉ.વ.51) (રહે, વાડોત્રા ગામ, મેઇનબજાર પાસે તા. રાણાવાવ, જિ. પોરબંદર મૂળ ગામ રાણાવાવ હોળી ચકલા જિ. પોરબંદર) કોઈપણ જાતની લાયકાત વગર ડૉક્ટર તરીકે મેડિકલ પ્રેકટિસ કરી દવાઓ આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઇન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 61,256 મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોરબંદરના બગવદર ગામે એક વૃક્ષની નીચે પ્રેક્ટિસ શરુ કરી છે એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ બોગસ ડૉક્ટરને પકડીને ગુનો નોંધ્યો હતો. તેની પાસેથી કાર, ઇન્જેક્શનો અને મેડિકલના સાધનો મળી કુલ રૂ. ૭૬૫૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


ફેબ્રુઆરી 2024 : લાલપુર તાલુકાના મેઘપર ગામની પતરા માર્કેટમાં તબીબી ડિગ્રી નહીં હોવા છતાં એક શખ્સ ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાની માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો અને મૂળ પશ્ચિમ બંગાળના અવિજીત અધીરભાઈ વિશ્વાસને ઝડપી પાડ્યો હતો. તે લોકોને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી મળી આવી ન હતી. આથી પોલીસે તેની અટકાયત કરી દવાખાનામાંથી બીપી માપવાનું મશીન, સ્ટેથોસ્કૉપ, દવાની ગોળીઓ વગેરે મળી રૂ. 3696ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની સામે મેડિકલ પ્રેક્ટિશનેર ઍક્ટની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો.