ગુજરાતમાં માવઠાની આગાહી, રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

December 27, 2024

અરવલ્લી : ગુજરાતના કેટલાક જિલ્લામાં ભર શિયાળે ગઈ કાલે ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગે આવતી કાલ શનિવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે 29 ડિસેમ્બરથી 03 જાન્યુઆરી સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની શક્યતા છે. આ દરમિયાન આજે શુક્રવારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં માવઠું પડતા ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય વર્તાય રહ્યો છે. 


હવામાન વિભાગે ગઈ કાલથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી કરી હતી. તેવામાં રાજ્યમાં ગઈ કાલ રાતથી અમદાવાદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે 27 ડિસેમ્બરે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે અમુક જિલ્લામાં માવઠું પડતા ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.  

28 ડિસેમ્બરના રોજ રાજ્યના ચાર જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં કરા પડવાની સાથે વરસાદ થવાની શક્યતા જણાવી હતી, ત્યારે આજે 27 ડિસેમ્બરે અરવલ્લી જિલ્લાના બેડજ, કુંભેરા, રામગઢી, માલપુર, મેઘરજ પંથક, ભિલોડાના સુનોખ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.