બાપુનગરમાં આતંક મચાવનારાઓનો પોલીસે વરઘોડો કાઢી મગાવી માફી

December 20, 2024

અમદાવાદ : અમદાવાદમાં લુખ્ખા તત્ત્વોને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવી રીતે બેખૌફ બની બેઠા છે. શહેરના રખિયાલ અને બાપુનગરમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારાઓની પોલીસે હવા કાઢી નાખી છે. જેમાં પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું. શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજીક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, અલ્તાફ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી. અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શહેર પોલીસ એક્શનમાં આવી છે.

જેમાં ગઈ કાલે ગુરુવારે રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ કરીને સઘન ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન એસીપી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા. પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઈટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો અને સ્થળો ચેકિંગ કરાયું હતું. રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, 'બહોત મારુંગા સાહેબ' તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી હતી.