પ્રજાના પૈસાનું પાણી...! સિવિલ હોસ્પિટલમાં 130 એરકૂલર માટે મહિને 19.50 લાખ રૂપિયા ભાડું ચૂકવાયું

July 10, 2024

ગુજરાતમાં આ વખતે ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી પડી હતી અને  અમદાવાદમાં પારો 49 ડિગ્રીને પાર થયો હતો. આગ વરસાવતી આ ગરમીમાં દર્દીઓને રાહત મળે તેના માટે ગુજરાતમાં આવેલી સિવિલ તેમજ ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS)આવેલી સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં એરકૂલર મૂકવામાં આવેલા હતા. બંને સિવિલ હોસ્પિટલમાં કુલ 130 એરકૂલર માટે એક મહિનામાં રૂપિયા 19.50 લાખનું ભાડું ચૂકવાયું હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે એપ્રિલ- મે દરમિયાન  અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હોય તેવી ગરમી પડી હતી. આ કાળઝાળ ગરમીમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે એરકૂલર મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતની સિવિલ અને જીમઈઆરએસની હોસ્પિટલોમાં જમ્બો એરકૂલર મૂકવામાં આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલમાં 80 જેટલાં અને 'સોલા સિવિલ હોસ્પિટલમાં 50 જેટલાં જમ્બો એરકૂલર મુકવામાં આવ્યા હતા. આ પૈકી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 27 મેના એક જ દિવસમાં 70 એરકૂલર મૂકવામાં આવ્યા હોવાનું એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું.  સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી નિર્દેશ- રેટ ચાર્ટ અનુસાર એક એરકુલર દીઠ રૂ 505 જેટલું દૈનિક ભાડું નક્કી કરાયું હતું. જોકે, ઉનાળો જ્યારે પૂરો થવામાં હતો ત્યારે એર કૂલર મૂકવા અને તેના માટે પણ તોતિંગ ભાડું ચૂકવવા મામલે ગણગણાટ શરૂ થયો છે.