કફ સિરપમાં મળ્યું ઝેર! ભારતની 100થી વધુ કંપનીઓ સરકારના ક્વોલિટી ટેસ્ટમાં ફેલ

July 23, 2024

ખાંસીથી રાહત મેળવવા માટે આપણે જે સિરપનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સિરપ આપણને મોતના મોઢામાં ધકેલી રહી છે. કફ સિરપને લઈને ભારતની ફાર્મા કંપનીઓ પર વિશ્વના ઘણા દેશોમાં સવાલ ઉઠ્યા બાદ હવે સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછી 100 કફ સિરપ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. આ ટેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા કરાવવામાં આવ્યા હતા. ઘણી સિરપમાં ઝોરી પદાર્થ મળી આવ્યા છે. આ એ પદાર્થો છે જે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં બાળકોના મોત સાથે સબંધિત કફ સિરપમાં મળી આવ્યા હતા. સરકારી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ સિરપ ડાયથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઈથિલિન ગ્લાયકોલ (EG) જેવા માપદંડો પર ખરા નથી ઉતર્યા અને ક્વોલિટીમાં ફેલ થઈ ગયા છે. સ્ટેન્ડર્ડ ક્વોલિટી પર ખરા ન ઉતરવાના કારણે તેને NSQ (Not of Standard Quality) કહેવામાં આવી છે. રિપોર્ટમાં આને ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કફ સિરપના બેચને ડીઇજી/ઇજી, એસે, માઇક્રોબિયલ ગ્રોથ, પીએચ અને વોલ્યુમ જેવા પરિમાણો માટે NSQ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, એટલે કે તેમની ક્વોલિટી ખરાબ મળી આવી હતી. રિપોર્ટ પ્રમાણે કુલ 7087 બેન્ચ દવાઓનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી 353ની ક્વોલિટી ખરાબ નીકળી છે. બીજી તરફ 9 સિરપ ડીઈજી, ઈજીની હાજરીના કારણે ફેલ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે,  ડીઈજી અને ઈજી એ કેમિકલ છે જે ખાંસીના સિરપમાં ભેળવવામાં આવે છે. તેની એક ચોક્કસ માત્રાને સિરપમાં ભેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેને વધુ માત્રામાં ભેળવવના કારણે સિરપ ઝેરી બની જાય છે અને તેના કારણે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિનું મોત થઈ જાય છે. ભારતમાં બનેલા કફ સિરપ પર આરોપ છે કે, તેનો ઉપયોગ કરવાથી દુનિયામાં 141 બાળકોના મોત થઈ ગયા છે. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને કફ સિરપ બનાવનારી કંપનીઓના સિરપનું ક્વોલિટી ટેસ્ટ શરૂ કરી દીધું. આ સિરપનો ટેસ્ટ સરકારી અને પ્રાઈવેટ લેબમાં કરવામાં આવ્યો. ઓક્ટોબર 2022માં WHOના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગામ્બિયામાં કિડની ફેલ થઈ જવાના કારણે લગભગ 70 બાળકોના મોત થઈ ગયા હતા. તેમના મૃત્યુનું કારણ ભારતમાં બનેલ કફ એન્ડ કોલ્ડ સિરપ હોય શકે છે, કારણ કે, આ બાળકોએ આ સિરપનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદથી રાજ્યના સ્ટેટ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની મદદથી દેશભરમાં કફ સિરપ બનાવનારી યુનિટ્સની તપાસ કરવામાં આવી રહી છે.