રેલવેને ખુદાબક્ષ મુસાફરો પાસેથી બમ્પર કમાણી થઈ, 2200 કરોડ વસૂલ્યા

May 27, 2023

રેલવે વગર ટિકિટે મુસાફરી કરનારા અને નિયમ-કાયદાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરે છે અને એની સાબિતી એ છે કે, રેલવેએ વગર ટિકિટે મુસાફરી કરનારા ખુદાબક્ષો સામે કાર્યવાહી કરીને 2200 કરોડનો દંડ વસૂલ્યો છે. રેલવે એ જણાવ્યું કે 2022-23માં ખોટી ટિકિટ કે ટિકિટ વગર મુસાફરી કરી રહેલા 3.6 કરોડ મુસાફરોને પકડવામાં આવ્યા હતા,

જે ગયા વર્ષની સરખામણીએ લગભગ એક કરોડ વધારે છે. મધ્યપ્રદેશના કાર્યકર્તા ચંદ્રશેખર ગ્વાર દ્વારા માહિતી અધિકાર નિયમ હેઠળ પુછાયેલા પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે છેલ્લાં ત્રણ વર્ષોમાં એવા મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલી આવક દર્શાવતો ડેટા પણ પ્રસ્તુત કર્યો હતો.

આંકડા અનુસાર, આવા મુસાફરો પાસેની 2020-21માં 152 કરોડની આવક વધીને 2021-22માં 1574.73 કરોડ અને નાણાવર્ષ 2022-23માં 2260.05 કરોડ રૂપિયા થઈ હતી. 2022-23માં રેલવે દ્વારા ટિકિટ વગરના પકડાયેલા મુસાફરોની સંખ્યા ઘણા નાના દેશોની કુલ વસ્તીથી વધારે છે.