રાજીવ મોદીની ગેસ કંપની IRM-એનર્જીમાંથી ચેરમેન બાદ સીઈઓએ પણ રાજીનામું આપ્યું

July 10, 2024

ગુજરાતના જાણીતા બિઝનેસ હાઉસ કેડીલા ગ્રુપના ચેરમેન રાજીવ મોદી ઉપર બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ કંપનીમાં ચાલતી અનેક ગેરરીતિઓ સામે આવી છે. ખાસ કરીને વહીવટી બાબતોમાં બધું બરોબર ના હોવાની વાતો સામે આવતા કેડીલા જૂથની ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની IRM એનર્જીના ટોચના અને મહત્વના અધિકારીઓ રાજીનામું આપીને કંપની છોડી રહ્યા છે. 8 જુલાઈએ IRMના ચીફ્ એક્ઝિક્યુટિવ ઓફ્સિર કરણ કૌશલે રાજીનામું આપ્યું છે.

થોડા દિવસો પહેલા કંપનીના ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુજરાતના પૂર્વ IAS અધિકારી મહેશ્વર સાહુએ પણ કંપની છોડી દીધી હતી. તેમણે પોતાની ટર્મને રીન્યુ ન કરવાનું પહેલાથી જ જણાવી દીધું હતું. સાહુ ટૂંક સમયમાં વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં જોડાશે.

પોતાના રાજીનામામાં કરણ કૌશલે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વધુ સારી તકોને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત IRM એનર્જીના કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફ્સિર શિખા જૈને અન્ય જગ્યાએ કેરિયર ગ્રોથનું કારણ આપી 4 જૂને રાજીનામું આપ્યું હતું.