રતન ટાટા બમ્પર કમાણીની આપશે તક, ટાટા ગ્રુપ 3 IPO લાવવાની તૈયારી

September 20, 2023

દેશનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપ 3 IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા ટેક્નોલોજી અને ટાટા પ્લેના આઈપીઓની તૈયારીઓ ચાલી રહી છે. હવે ટાટા ગ્રૂપ પણ તેની NBFC કંપની ટાટા કેપિટલનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આરબીઆઈએ ટાટા કેપિટલ અને ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સને ઉચ્ચ સ્તરની NBFC તરીકે સામેલ કરી છે. નિયમો અનુસાર, કંપનીએ આ કેટેગરીમાં સામેલ થયાના 3 વર્ષની અંદર જાહેરમાં જવું જરૂરી છે.

ટાટા કેપિટલના કિસ્સામાં આ સમયમર્યાદા સપ્ટેમ્બર 2025 છે. કંપનીનો શેર ગ્રે માર્કેટમાં રૂ. 425ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે અને આ ભાવે કંપનીનું મૂલ્ય રૂ. 1.5 લાખ કરોડ થશે. કંપનીમાં ટાટા સન્સનો 94.62 ટકા હિસ્સો છે. પ્રમોટર્સ કંપનીમાં 10થી 20 ટકા હિસ્સો વેચી શકે છે. આ દેશના સૌથી મોટા IPOમાંથી એક હશે. ગયા વર્ષે LICએ રૂ. 21,000 કરોડનો IPO લોન્ચ કર્યો હતો જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇશ્યૂ છે.

અહેવાલ મુજબ, ટાટા કેપિટલ લિમિટેડ તેની કામગીરીનું પુનર્ગઠન કરી રહી છે અને તેના બોર્ડનું વિસ્તરણ પણ કરી રહી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ટાટા ગ્રુપ 2025માં ટાટા કેપિટલનો IPO લાવવાની યોજના ધરાવે છે. કંપનીના બોર્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને જૂથની કેટલીક કંપનીઓને ટાટા કેપિટલમાં પણ મર્જ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપ આ કંપની માટે Jio Financial Services જેવી વેલ્યુએશન ઈચ્છે છે. મુકેશ અંબાણીની આ કંપની હાલમાં લિસ્ટ થઈ હતી.