ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેંડુલકરનો મહારેકોર્ડ તોડી શકે છે રોહિત શર્મા! લિસ્ટમાં વિરાટ કોહલી છે નંબર વન

February 11, 2025

હાલમાં ઈંગ્લેંડ સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઘણાં લાંબા સમયથી ફોર્મથી બહાર ચાલી રહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર વાપસી કરતા સદી ફટકારી હતી. રોહિતની વનડે ફોર્મેટમાં આ 32મી સદી હતી. રોહિતે માત્ર 90 બોલનો સામનો કરીને 119 રનની ઇનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન હવે રોહિત પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના રેકોર્ડને આગામી સમયમાં તોડી શકે છે.  આ રેકોર્ડ સૌથી ઝડપી વનડેમાં 11 હજાર રન પૂરા કરવા અંગેનો છે. જેમાં વિરાટ કોહલી યાદીમાં ટોચના સ્થાને છે. તેણે માત્ર 230 વનડેમાં આ કારનામું કરીને સચિન તેંડુલકરને બીજા સ્થાને ધકેલી દીધો હતો. પરંતુ હવે સચિનને વધુ એક સ્થાનનું નુકસાન થઇ શકે છે. કારણ કે, તેની જગ્યા હિટમેન લઇ શકે છે. ત્રીજા સ્થાન પર પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ છે. જો રોહિત આ યાદીમાં આગળ વધશે તો તે ચોથા સ્થાને ખસકી જશે.  આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. પરંતુ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પોતાની છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ રમશે. જો રોહિત આ મેચમાં રમીને 13 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દેશે. સચિને 284 મેચ અને 276 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જયારે પોન્ટીંગે 11 હજારના આંકડા સુધી પહોંચવા માટે 295 મેચ 286 ઇનિંગ્સ રમી હતી. જો રોહિત રેકોર્ડ તોડશે તો એ 268 વનડે રમને આવું કારનામું કરશે.