પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને રશિયા ટાર્ગેટ કરી શકે છેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન

April 05, 2024

ફ્રાંસમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિકને રશિયા ટાર્ગેટ કરી શકે છે તેવી આશંકા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને વ્યક્ત કરી છે.

પેરિસ- ગુરુવારે  પેરિસમાં ઓલિમ્પિક સેન્ટરના ઉદઘાટન દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં મેક્રોને કહ્યુ હતુ કે, મને એ વાતમાં કોઈ શંકા નથી કે પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સને રશિયા નિશાન બનાવશે.દેશમાં યોજાનારા સૌથી મોટા રમત ગમત મહોત્સવની સુરક્ષા પર વિદેશી ખતરો મંડરાઈ રહયો છે.


મેક્રોને પહેલી વખત આ પ્રકારની વાત સ્વીકારી છે.મેક્રોનના નિવેદન બાદ સુરક્ષા એજન્સીઓ ઓલિમ્પિકની સુરક્ષાને લઈને વધારે સતર્ક બની ગ ઈ છે.બીજી તરફ મેક્રોને ગયા મહિનાથી રશિયા સામે આકરુ વલણ અપનાવવાનુ ચાલુ જ રાખ્યુ છે. આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, કોઈ પણ સંજોગોમાં યુક્રેન સામેના યુધ્ધમાં રશિયાને હરાવવુ પડશે અને આ માટે ફ્રાંસ યુક્રેનમાં રશિયા સામે લડવા માટે પોતાના સૈનિકો મોકલે તે શક્યતાથી ઈનકાર થઈ શકે તેમ નથી.જોકે આ નિવેદન બાદ મેક્રોને ફરી સ્પષ્ટતા કરવી પડી પડી હતી કે, રશિયાની સામે દુશ્મનાવટ ભડકાવવાનો અમારો કોઈ ઈરાદો નથી.

હવે મેક્રોને રશિયા પર ઓલિમ્પિક ગેમ્સ પર હુમલો કરાવવાની હિલચાલનો  આરોપ મુકયો છે.સાથે સાથે મેક્રોને કહ્યુ હતુ કે, ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ વિરામ કરાવવા માટે પણ ફ્રાંસ પ્રયાસ કરશે. મેક્રોને આ નિવેદન આપ્યુ તેના એક દિવસ પહેલા રશિયા અને ફ્રાંસના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને એવુ મનાય છે કે, રશિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે ફ્રાંસ દ્વારા જો યુક્રેનમાં સૈનિકો મોકલવામાં આવ્યા તો ફ્રાંસ માટે મોટી સમસ્યાઓ સર્જાશે. ફ્રાંસ આક્ષેપ કરી રહ્યુ છે કે, સમગ્ર યુરોપમાં રશિયા દુષ્પ્રચાર કરી રહ્યુ છે અને યુરોપિયન સંઘમાં તેની સામે પ્રતિબંધ મુકવા માટે કાર્યવાહી કરવા ફ્રાંસ પહેલ કરશે.