SC-ST અનામત 'કોટામાં કોટા'નો વિરોધ કરતી અરજી SCએ ફગાવી

October 04, 2024

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ અંગેના બંધારણીય બેંચના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરતી રીવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણ અંગેના બંધારણીય બેંચના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે દાખલ કરવામાં આવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે વર્તમાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) માટે અનામતની વ્યવસ્થાને અસર કરતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી હતી. આ સિવાય કોર્ટે એસસી અને એસટી કેટેગરીમાં પણ ક્રીમી લેયરને લાગુ કરવાની વાત કહી હતી.

આજે સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશો વાળી બેન્ચે 1 ઓગસ્ટના નિર્ણય સામે દાખલ કરાયેલી 10 રીવ્યુ પિટિશનઓને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં કોઈ ભૂલ નથી. 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપતા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં પેટા-વર્ગીકરણની માન્યતા આપવાને લઈને 6-1ની બહુમતીથી નિર્ણય આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં પેટા વર્ગીકરણની મંજૂરી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, એસસી-એસટી વર્ગના વધુ જરૂરિયાતમંદોને અનામતનો લાભ આપવા માટે રાજ્યો એસસી, એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ કરી શકે છે. CJI ડી.વાય ચંદ્રચુડ, બીઆર ગવઈ, વિક્રમ નાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્મા ધરાવતી 7 સભ્યોની ખંડપીઠે આ મામલે પેન્ડિંગ લગભગ બે ડઝન અરજીઓ પર આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈવી ચિન્નૈયા (2004) કેસમાં પાંચ જજો દ્વારા આપવામાં આવેલા 20 વર્ષ જૂના ચુકાદાને અમાન્ય ઠેરવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એસસી અને એસટી સમાન જૂથની શ્રેણી છે. અને તેને પેટા-વર્ગીકૃત કરી શકાય નહીં.