સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMC ને ફરી ફટકાર, આશ્વાસન નહીં નક્કર કામગીરી કરી દેખાડો : હાઇકોર્ટ

July 09, 2024

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લઇ નાંખ્યો હતો. કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલી બ્લ્યુ પ્રિન્ટ અને અમ્યુકોના હજુ પણ બેજવાબદાર અને બિનગંભીર વલણને લઇ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ભયંકર નારાજગી વ્યકત કરી હતી અને એટલે સુધી માર્મિક ટિપ્પણી કરી હતી કે, અમને આશ્વાસન નહી, પરિણામલક્ષી પરફોર્મન્સ આપો. અમારે દર વખતે તમારા કલાસ લેવા પડે છે. હાઇકોર્ટે અમ્યુકો પાસેથી ઇન્સ્પેકશન સાથેનો રિપોર્ટ માંગ્યો હતો અને અમ્યુકો કમિશનરને પર્સનલી આ મામલામાં મોનીટરીંગ કરવા જણાવ્યું હતું. 
હાઇકોર્ટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાસ્ક ફોર્સના ઇન્સ્પેકશન સહિતના મુદ્દે અમ્યુકો કમિશનર પાસેથી રિપોર્ટ સાથે વિગતવાર જવાબ માંગ્યો હતો અને તા.8મી ઓગસ્ટ સુધીમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો.  સાબરમતી નદીમાં પ્રદૂષણ અને ગંદકી મામલે હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં છેલ્લી પાંચ-છ સુનાવણીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરની હાઇકોર્ટ દ્વારા ભયંકર ઝાટકણી કાઢવામાં આવે છે અને સખત ટીકા કરવામાં આવે છે, તેમછતાં એવું જણાય છે કે, અમ્યુકોના વલણમાં કોઇ ફેરફાર કે બદલાવ જણાતો નથી.ખુદ હાઇકોર્ટે વારંવાર અમ્યુકોના વકીલ અને મ્યુનિસિપલ કમિશનરને સાફ શબ્દોમાં સુણાવ્યું છે કે, કાં તો હાઇકોર્ટ શું કહેવા માંગે છે, તે તમે સમજી શકતા જ નથી અને કાં તો તમે નિષ્ઠાપૂર્વક કામ કરવામાં કે અદાલત સમક્ષ સાચી હકીકતો જણાવવામાં નથી માનતા. આજે ફરી એકવાર હાઇકોર્ટે અમ્યુકોનો પિરિયડ લઇ નાંખ્યો હતો.  કોર્ટ સહાયક હેમાંગ શાહે જીપીસીબીના સોંગદનામાં અને અમ્યુકો તરફથી રજૂ થયેલા સોગંદનામાંની વિસંગતતા અને વિરોધાભાસ પરત્વે  અદાલતનું ધ્યાન દોરતાં હાઇકોર્ટે અમ્યુકોના સોગંદનામાંને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, તમે કોર્ટે નક્કી કરેલી સુનાવણીની તારીખના ત્રણ-ચાર દિવસ પહેલાં જ સોંગદનામું તૈયાર કરો છો અને ત્યારથી જ કામગીરી શરૂ કરો છો. એવું લાગે છે કે, સાબરમતી નદીને પ્રદૂષણમુકત કરવામાં તમને રસ નથી કે તમે ગંભીર નથી..ખરેખર તો, મ્યુનિસિપલ કમિશરે જે કામ કરવાનું છે તે અમે કરી રહ્યા છીએ. તમારા સોંગદનામાંની વાતો, ખોટા આંકડાઓ અને પોકળ દાવાઓ પરથી જ સ્પષ્ટ થઇ જાય છે કે, તમે આ મામલે હજુ પણ ગંભીર નથી.