ધોની પર નિવેદન આપીને જબરો ફસાયો SRHનો સ્ટાર ખેલાડી, હવે કહ્યું- મારી વાતનું ખોટું અર્થઘટન કરાયું

June 04, 2024

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2024ની ફાઇનલ માટે જગ્યા બનાવી લીધી હતી, પરંતુ આ ટીમ ટાઈટલ જીતી શકી નહોતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આ ટીમને ટાઈટલ મેચમાં હરાવી હતી. મહત્ત્વની વાત એ છે કે, હૈદરાબાદે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ સાથે સિઝનમાં ટીમમાંથી નીતિશ રેડ્ડી એક ઉભરતા સ્ટાર તરીકે બહાર આવ્યો હતો. નીતિશ તેના પરફોર્મન્સના કારણે ચર્ચામાં આવ્યા હતો, પરંતુ હવે તે મહેન્દ્ર સિંહ ધોની પર સવાલ ઉઠાવવાના કારણે ચર્ચામાં છે. ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર અને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત વિજેતા બનાવનાર  કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની રમત પર નીતીન રેડ્ડીએ સવાલ ઉઠાવ્યા હતા. તે પછી તેને ઘેરવામાં આવ્યો હતો, અને હવે તેણે આ અંગે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. નીતિશે એક ઈન્ટરવ્યુમાં ધોનીની રમત પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, "ધોની પાસે ટેલેન્ટ છે, પરંતુ ટેકનિક નથી. ધોની પાસે વિરાટ કોહલી જેવી ટેકનિક નથી." જેવો નીતિશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેની સાથે તે ટ્રોલ થવા લાગ્યો હતો. કારણ કે સોશિયલ મીડિયા પર નીતીશનો અડધો જ વીડિયો બતાવવામાં આવી રહ્યો હતો, પરંતુ આખા વીડિયોમાં નીતિશે ધોનીના વખાણ કર્યા છે અને ધોનીને મહાન ખેલાડી ગણાવ્યો છે. પોતાની જાતને ઘેરાયેલી જોઈ નીતિશે સોશિયલ મીડિયા પર પોતાનો ખુલાસો રજૂ કરવો પડ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ લખ્યું છે કે, "મેં હંમેશા માહી ભાઈની ખૂબ પ્રશંસા કરી છે. પ્રશ્ન સ્કિલ અને માઈન્ડસેટનો હતો, જે ઘણું મહત્ત્વનું છે. મને લાગે છે કે, માઈન્ડસેટ સફળતામાં મોટી ભૂમિકા ભજવે છે. મેં જે મારા જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, તેને ખોટી રીતે રજુ કરવામાં આવ્યો છે. લોકોએ વીડિયો કાપીને રજુ કર્યો છે. પૂરી વાત સાંભળ્યા વગર નેગેટિવિટી ફેલાવવાનું બંધ કરો. "