સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત, સામૂહિક આત્મહત્યાની આશંકા

June 15, 2024

સુરત : સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જ્હાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહીં. મૃતકોમાં 3 મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે.

જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જો કે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જાગ્યા જ નહીં.

પોલીસે કહ્યું કે, પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગી રહ્યો છે. કારણ જાણવા આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં છે. પીએમ રિપોર્ટ બાદ જ આપઘાત અંગેની વધુ વિગતો સામે આવી શકે તેમ છે. હાલ તપાસ ચાલી રહી છે.

હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.

પોલીસે કહ્યું કે, પરિવારના પુત્રની બે માસી અને માસા તથા માતાનું મોત થયું છે. સવારે નાસતો આપવા જતાં દરવાજો ન ખોલતાં 108 સહિતની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ પણ આ તપાસમાં જોડાશે. 3 મહિલા અને એક પુરૂષના મોત થયાં છે.