22 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા, 47ના DNA મેચ

June 15, 2025

અમદાવાદ : એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્‌લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ, DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પી કે મિશ્રાએ રવિવારે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ સ્થળની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના અધિકારીઓએ મિશ્રાને  દુર્ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. મિશ્રાએ પોસ્ટમોર્ટમ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે,  'આ ગંભીર દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. દરેક વ્યક્તિ દુઃખી છે. દુઃખ વહેંચવું અને પીડિતો પ્રત્યે આપણી લાગણીઓ વ્યક્ત કરવી એ આપણી ફરજ છે.'
એડિશનલ સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, કુલ 47 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિવારજનો સાથે મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 24 જણના મૃતદેહો પરિવારને સોંપાયા છે. 
સ્ટેટ ઈમરજન્સી કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 22 લોકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 22 મરણના દાખલા જાહેર કરવામાં આવ્યા છે. અમારી 22 ટીમ પરિવારજનોને ઈન્સ્યોરન્સ પ્રક્રિયા સંબંધિત કાર્યવાહીમાં મદદ કરી રહી છે. વિદેશી મૃતકોનો પરિવાર આવતીકાલે સાંજ સુધીમાં અમદાવાદ પહોંચશે.