ચૂંટણી ઢંઢેરામાં પરમાણુ હથિયારોના ખાત્માનું વચન, PM મોદીએ કહ્યું ‘તેઓ દેશ નબળો પાડવા ઈચ્છે છે’

April 16, 2024

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ 19મી એપ્રિલે થવાનુ છે ત્યારે હાલમાં જ વડાપ્રધાને રાજસ્થાન ના બાડમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરમાણું હથિયારોને નાબૂદ કરવાના CPI(M)ના ચૂંટણી ઢંઢેરાને લઈને ઈન્ડિયા બ્લોક પર નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 'વિપક્ષી ગઠબંધનમાં સામેલ એક પાર્ટીએ ખતરનાક એલાન કરતા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તે ભારતના પરમાણુ હથિયારોને નષ્ટ કરી દેશે તેમજ સમુદ્રમાં ડુબાડી દેશે. ભારત જેવો દેશ જેના બંને બાજુના પાડોશીઓ પાસે પરમાણુ હથિયારો છે. શું દેશમાં પરમાણુ હથિયારો નાબૂદ કરવા યોગ્ય રહેશે? શું પરમાણુ હથિયારો નાબૂદ કરવા જોઈએ?' સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ (Congress)ને સવાલ કર્યો હતો કે' હું પૂછવા માગુ છું કે તમારા આ મિત્રો કોના કહેવા પર કામ કરી રહ્યા છે. આ કેવું ગઠબંધન છે, જે ભારતને શક્તિહીન બનાવવા માંગે છે? તમારું આ ગઠબંધન કોના દબાણ હેઠળ આપણા પરમાણુ હથિયારોને નષ્ટ કરવા માંગે છે? મોદી દેશને શક્તિશાળી બનાવવા માંગે છે. આ લોકો દેશને નબળો પાડવા માંગે છે. અમે નબળા દેશોને સ્વીકારતા નથી. દેશ તેમને સજા કરશે.'