શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 890 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ કડડભૂસ, રોકાણકારોને મોટું નુકસાન

November 07, 2024

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયાના અહેવાલ આવતા જ શેરબજારમાં બુધવારે જોરદાર તેજી આવી હતી અને હવે તેના એક દિવસ બાદ આજે શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો. મળતી માહિતી અનુસાર આજે શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ 840 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 261 પોઈન્ટનો ઘટાડો નોંધાતા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. 

માહિતી અનુસાર ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પર કબજો જમાવશે તે નક્કી થતાં જ હવે સૌની નજર ફેડરલ રિઝર્વની પોલિસી પર છે. જેના પર આજે નિર્ણય લેવાઈ શકે છે. ફેડ બેન્ચમાર્ક વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા છે. જ્યારે બીજી બાજુ મિશ્ર વૈશ્વિક સંકેત અને એફ એન્ડ ઓમાં એક્સપાયરીને કારણે પણ ભારતીય શેરબજારમાં કડાકાની સ્થિતિ દેખાઈ રહી છે. 

બીજી બાજુ રોકાણકારોની નજર સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક પરિણામો ઉપર પણ છે. કેમ કે આજે કોચિન શિપયાર્ડ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, IRCON ઈન્ટરનેશનલ, લ્યૂપિન, એમએન્ડએમ અને અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના છે.