શેરબજારમાં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા, 689 શેર્સમાં લોઅર સર્કિટ

October 07, 2024

નવરાત્રિના પાંચમા નોરતે શેરબજારમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારોના 8.62 લાખ કરોડ ડૂબ્યા છે. ભારતીય શેરબજારે આજે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે કર્યા બાદ બપોરના સેશનમાં વેચવાલીનું પ્રેશર વધતાં તૂટ્યા હતાં. સેન્સેક્સ આજે 238.54 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ વધી 82000નું લેવલ ક્રોસ કર્યું હતું, ઈન્ટ્રા ડે 1411.71 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 638.45 પોઈન્ટ તૂટી 81050 પર બંધ રહ્યો હતો.

એનએસઈ નિફ્ટી 25000નું લેવલ જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. નિફ્ટી 320.25 પોઈન્ટ તૂટી 24694.35ની ઈન્ટ્રા ડે બોટમે પહોંચ્યા બાદ અંતે 218.85 પોઈન્ટના કડાકે 24795.75 પર બંધ રહ્યો હતો.

મોટાપાયે વેચવાલીના પગલે બીએસઈ માર્કેટ કેપ 452 લાખ કરોડ થઈ હતી. રોકાણકારોએ 8.62 લાખ કરોડ ગુમાવ્યા છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, તેમજ સ્થાનિક સ્તરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપની હારના સમીકરણો રચાતાં શેરબજાર ગગડ્યા છે. બીજી તરફ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીની અસર પણ થઈ છે. એફઆઈઆઈએ ગત સપ્તાહે રૂ. 40 હજાર કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી.

બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 4178 શેર્સ પૈકી 643માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3416 શેર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતા. 689 શેર્સમાં લોઅર સર્કિટ અને 132 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીજી તરફ 169 શેર્સ વર્ષની નવી ટોચે અને 234 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ દર્શાવે છે. વૈશ્વિક સ્તરે ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં આરબીઆઈ વ્યાજના દરોમાં હાલ પૂરતો ઘટાડો નહીં કરે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.