શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક્સે ફરી 81000ની સપાટી ક્રોસ કરી, ડિફેન્સ શેર્સમાં આકર્ષક ઉછાળો

December 04, 2024

શેરબજાર આજે સળંગ બીજા દિવસે સુધારા તરફી કારોબાર થઈ રહ્યા છે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 81000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. 10.36 વાગ્યે 340.74 પોઈન્ટ ઉછળી 81186.49 પર અને નિફ્ટી 90.05 પોઈન્ટ ઉછળી 24547.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

બીએસઈ ખાતે આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ સાથે સુધારા તરફી જોવા મળી છે. 10.40 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 3794 શેર્સ પૈકી 2385 સુધારા તરફી અને 1243 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 206 શેર્સ વર્ષની ટોચે અને 309 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 144 શેર્સમાં લોઅર સર્કિટ, 9 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

છેલ્લા બે દિવસમાં માર્કેટમાં સુધારા તરફી વલણના પગલે રોકાણકારોની મૂડી 6.12 લાખ કરોડ વધી છે.  હેલ્થકેર, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં પીએસયુ ઈન્ડેક્સ 0.68 ટકા, રિયાલ્ટી 0.94 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.55 ટકા ઉછાળે કારોબાર થઈ રહ્યા છે.

ડિફેન્સ કંપનીઓના શેર્સ સવારના ટ્રેડિંગ સેશનમાં 5 ટકા સુધી ઉછળ્યા હતા. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ સેક્ટરને વેગ આપતાં રૂ. 21772 કરોડના પાંચ એક્વિઝિશનને મંજૂરી આપતાં શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. મઝાગોન ડોક અને ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ 5 ટકા સુધી ઉછળ્યા હતા. જ્યારે ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ડાયનેમિક્સ 2-3 ટકા ઉછાળે ટ્રેડેડ હતા. પીએસયુ ઈન્ડેક્સમાં યુકો બેન્ક 7.54 ટકા, સેન્ટ્રલ બેન્ક 6.74 ટકા, બીડીએલ 5.98 ટકા, આઈઓબી 5.86 ટકા ઉછાળે ટ્રેડેડ હતા.