ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપમાં 1000ના મોત, 2400 ઈજાગ્રસ્ત

March 29, 2025

મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર-થાઈલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતાં મોતનો આંકડો 1000ને પાર નીકળી ગયો છે જ્યારે ઘાયલોની સંખ્યા 2376 થઈ ગઈ છે.

હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. જોકે,અમુક મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતાં હજારો લોકોનાં મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્લાદેશ અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આજે સવારે અફઘાનિસ્તાનમાં પણ 4.7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા વધુ ડર ફેલાયો છે. ભૂકંપની ભયાનકતાનો અંદાજ મૃત્યુઆંક પરથી જ આવી જાય છે. ભૂકંપગ્રસ્ત દેશોમાંથી જેવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તે ખરેખર ભયાનક છે. હજારો ઈમારતો, મંદિર-મસ્જિદ, બ્રિજ, મકાનો ધરાશાયી થઈ ગયા છે. કાટમાળમાં અસંખ્ય લોકો દટાઈ ગયા છે. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 

મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાગાઈંગમાં શુક્રવારે બપોરે 12:00 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે  ભારે વિનાશ વેર્યો હતો. વિનાશક ભૂકંપની મિનિટો પછી 6.4ની તીવ્રતાના આફ્ટર શોક્સ પણ અનુભવાયા હતા. આમ, મ્યાનમારમાં 50 મિનિટના ટૂંકાગાળામાં ભૂકંપના ત્રણ મોટા ઝટકા નોંધાયા હતા. ત્યાર પછીના આફ્ટર શોક્સની તીવ્રતા ઘટતી ગઈ હતી. આગામી 24 કલાકમાં હજુ વધુ ભૂકંપ આવવાનું જોખમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.