પ્રયાગરાજથી જતી બે ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ, રેલવેએ શરૂ કરી તપાસ

February 18, 2025

હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં અનેક શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ જતી બે ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પ્રયાગરાજના કંટ્રોલ રૂમને બલિયાથી લોકમાન્ય તિલક ટર્મિનસ જતી કામાયની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો છે, જેના કારણે જિલ્લા પોલીસ અને GRPની સાથે RPFની સંયુક્ત ટીમે ટ્રેનને યાર્ડમાં લઈ જઈ તપાસ કરી છે. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ જાણ કરવામાં આવી છે.

અધિકારી શ્યામકાંતે કહ્યું કે, ‘પોલીસ કન્ટ્રોલ રૂમને પ્રયાગરાજ જતી બે ટ્રેનોમાં બોંબ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ, જીઆરપી અને આરપીએફ બલિયાની ટીમ સાથે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા સાથે ટ્રેનને યાર્ડમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેનની યોગ્ય તપાસ કરવામાં આવી. અમે તમામ લોકો તમામ ઈક્વિમેન્ટ સાથે ત્યાં પહોંચ્યા અને ટ્રેનની સંપૂર્ણ તપાસ કરી. અમે બીડીએસને પણ સૂચના આપી અને તે લોકો પણ આવી રહ્યા છે.’