આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાના ઘરે ઇડીના દરોડા

October 08, 2024

મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરા અને તેમના નિકટના સાથીઓ ગણાતા પૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુના સાથી ફાઇનાન્સર હેમંત સૂદના ઘરે સોમવારે સવારે ઇડીની ટીમે દરોડા પાડયા હતા. સાંસદ સંજીવ અરોરા પર ગેરરીતિ આચરીને જમીન મેળવવાનો આરોપ છે.

ઇડીના દરોડા પડતાં આપ નેતા મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું કે, આજે ફરી મોદીજીએ પોતાના પોપટ-મેના છૂટાં મૂક્યાં છે. કહેવાય છે કે ટ્રાન્સપોર્ટ ટેન્ડર કૌભાંડમાં ભારત ભૂષણ આશુનું નામ જાણવા મળ્યા બાદ ઇડીએ કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં ઇડીને ઘણાં વિદેશી ટ્રાન્ઝેક્શન જોવા મળ્યાં હતાં. આના પરિણામે ઇડીએ આપ સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડો પાડયો હતો. સોમવારે સવારે સાત વાગ્યે ઇડીની અલગ અલગ ટીમોએ ચંડીગઢ રોડ પર હેમ્પટન હોમ્સ સ્થિત સાંસદ સંજીવ અરોરાના ફ્લેટ અને ફિન્ડોક કંપનીના માલિક ફાઇનાન્સર હેમંત સૂદના સરાભા નગર સ્થિત ઘરે દરોડા પાડયા હતા. આ જ કેસની તપાસ માટે ઇડીની ટીમ જાલંધર, લુધિયાના અને ગુરુગ્રામ સહિત ઘણી જગ્યાએ પહોંચી હતી.