હાર માટે ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનો જવાબદાર : બાબર આઝમ

June 10, 2024

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારતીય ટીમે પાકિસ્તાન સામેની આ મેચમાં 06 રને જીત મેળવી હતી. આ સાથે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2024માંથી બહાર થવાની ખૂબ જ નજીક લાગી રહી છે. તેણે અહીંથી બાકીની તમામ મેચ જીતવી પડશે. પાકિસ્તાનની હાર બાદ ટીમનો કેપ્ટન બાબર આઝમ ઘણો નિરાશ જોવા મળ્યો હતો. મેચ હાર્યા બાદ તેણે ઘણા મોટા નિવેદનો આપ્યા છે.

પાકિસ્તાનની હાર બાદ બાબર આઝમે કહ્યું કે મને લાગે છે કે ભારતે 10 ઓવર પછી સારી બોલિંગ કરી. અમે 120 રનનો પીછો કરી રહ્યા હતા, અમે પ્રથમ 10 ઓવરમાં એક બોલમાં એક રન બનાવી રહ્યા હતા, પરંતુ બાદમાં અમારી સતત વિકેટો ગુમાવી અને દબાણમાં આવી ગયા હતા. જ્યારે બાબરને તેની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે યોજના સરળ હતી, સામાન્ય રીતે રમો, સ્ટ્રાઈક ફેરવો, ઓવર દીઠ 5-6 રન બનાવો, પરંતુ 10 ઓવર બાદ ભારતે ઘણા ડોટ બોલ ફેંક્યા અને અમાર પર દબાણ વધી ગયુ.

તેણે વધુમાં કહ્યું કે લોઅર ઓર્ડરના બેટ્સમેનો પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી શકાય નહીં. અમે પ્રથમ છ ઓવરમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, અમે 40-45 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ અમે તેનો યોગ્ય ફાયદો ઉઠાવ્યો ન હતો. પિચ સારી દેખાઈ રહી હતી, બોલ સારી રીતે આવી રહ્યો હતો. પરંતુ ડ્રોપ-ઇન પિચથી તેની અપેક્ષા રાખવામાં આવે છે. એકંદરે, બાબર આઝમે હાર માટે પોતાના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.