ટ્રુડોએ કહ્યું- દરરોજ રાજીનામું આપવાનો વિચાર આવે છે

March 16, 2024

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના કામકાજને ખુબ જ મુશ્કેલીભર્યુ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને દરરોજ રાજીનામું આપવાના વિચાર આવે છે.

રેડિયો-કેનેડાને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રુડોએ કહ્યું- હું દરરોજ રાજકારણ છોડવાનું વિચારું છું. રાજીનામું આપવાનો વિચાર દરરોજ આવે છે. કામના ભારણને કારણે અંગત બલિદાન આપવું પડે છે. અલબત્ત, તે બધુ ખૂબ જ મુશ્કેલ છે, કેટલીકવાર આ બિલકુલ સારું નથી લાગતું.

ટ્રુડો ઓગસ્ટ 2023માં તેમની પત્ની સોફીથી ડિવોર્સ લીધા હતા. લગ્નના 18 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેને 3 બાળકો છે. જસ્ટિન પિયરે જેમ્સ ટ્રુડો નવેમ્બર 2015માં કેનેડાના 23મા વડાપ્રધાન બન્યા. તેઓ એપ્રિલ 2013થી લિબરલ પાર્ટીના નેતા છે. કેનેડામાં ઓક્ટોબર 2025માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા ત્યાં વડાપ્રધાનના ચહેરાનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ટ્રુડો આ સર્વેમાં ઘણા પાછળ જોવા મળે છે. તેમની લોકપ્રિયતામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર તેમની લિબરલ પાર્ટી પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી પાછળ રહી છે.

આ અંગે ચર્ચા કરતી વખતે તેમણે રાજકારણ છોડવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, તેમણે કહ્યું કે તેઓ આગામી ચૂંટણી સુધી રાજીનામું નહીં આપે. તેણે કહ્યું- હું લોકપ્રિય થવા માટે રાજકારણમાં આવ્યો નહોતો અને મારી પાસે રાજકારણમાં આવવાનું કોઈ અંગત કારણ પણ નથી. હું માત્ર લોકોની સેવા કરવા માટે રાજકારણી બન્યો છું અને હું જાણું છું કે હું તે કરી રહ્યો છું.

ટ્રુડો કેનેડામાં બીજા વડાપ્રધાન છે જેઓ પીએમ પદે રહેતા પોતાની પત્નીથી છૂટાછેડા લીધા છે. તેમના પહેલા તેમના પિતા અને ભૂતપૂર્વ PM પિયરે ટ્રુડો 1979માં તેમની પત્ની માર્ગારેટથી અલગ થઈ ગયા હતા અને 1984માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જસ્ટિન અને સોફીના લગ્ન મે 2005માં થયા હતા. જસ્ટિન ટ્રુડોએ પરિવારના મહત્વ વિશે ઘણી વખત જાહેરમાં વાત કરી છે.

2020માં તેમની લગ્નની વર્ષગાંઠ પર પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે તેમની પત્ની તેમની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ, એક સારી મિત્ર અને સારી જીવનસાથી છે. બુધવારે છૂટાછેડાની જાહેરાત કરતા જસ્ટિને કહ્યું - અમે ખૂબ જ મુશ્કેલ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ પછી આ નિર્ણય લીધો છે.

છૂટાછેડા પછી, જસ્ટિન અને સોફી પાસે બાળકોની જોઈન્ટ કસ્ટડી છે. ટ્રુડોની ઓફિસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે અલગ થયા બાદ હવે બંને બાળકોના ઉછેર પર ધ્યાન આપીશ.

ટ્રુડો વડાપ્રધાન બનતા પહેલા શિક્ષક હતા. જો ક્લાર્ક પછી કેનેડાના ઈતિહાસમાં તેઓ બીજા સૌથી નાની વયના યુવા વડાપ્રધાન છે. તેમના પિતા પિયરે ટ્રુડો પણ કેનેડાના વડાપ્રધાન હતા. પિયરે અને જસ્ટિન કેનેડાના વડાપ્રધાન બનનાર પ્રથમ પિતા-પુત્રની જોડી છે.

જસ્ટિન 1994માં મેકગિલ યુનિવર્સિટીમાંથી સાહિત્યમાં ગ્રેજ્યુએશન થયા. ત્યારબાદ 1998માં તેમણે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે વાનકુવરમાં માધ્યમિક શાળા સ્તરે ફ્રેન્ચ, ગણિત ભણાવતા હતા તેમજ ડ્રામા પણ શીખવતા હતા.