'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા

January 22, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી વ્હાઈટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામ શરૂ કરી દેતાં અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે હવે ટ્રમ્પના આદેશ હેઠળ અમેરિકામાં જન્મના આધાર પર નાગરિકત્વનો બંધારણીય કાયદો રદ કરી દેવામાં આવ્યો છે, જેનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ હવે આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના પ્રભુત્વ વાળા 22 રાજ્યો અને અનેક સિવિલ રાઈટ ગ્રૂપે ટ્રમ્પના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હવે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડેમોક્રેટિક પ્રભુત્વ ધરાવતા રાજ્યોની સાથે-સાથે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોએ મંગળવારે બોસ્ટનની સંઘીય કોર્ટમાં પ્રથમ કેસ નોંધાવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન છે. આ કેસ બાદ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ઈમિગ્રન્ટ્સ ઓર્ગેનાઇઝેશને પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ન્યુ જર્સીના ડેમોક્રેટિક એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને કહ્યું કે, અમે ટ્રમ્પના આદેશ પર રોક લગાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પ્રમુખ પાસે વ્યાપક સત્તાઓ છે, પરંતુ તેઓ કોઈ રાજા નથી. ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જવાથી ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ મળી ગયો છે કે, અમે અમારા લોકો અને તેમના મૂળભૂત બંધારણીય અધિકારો માટે તેમની પડખે ઉભા રહીશું. અમેરિકાના બંધારણમાં થયેલા 14મા સુધારા હેઠળ જન્મના આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈ છે. આનો અર્થ એ થયો કે, અમેરિકામાં જન્મેલું દરેક બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય છે, પછી ભલે તેના માતા-પિતાની નાગરિકતા ગમે તે હોય.