પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, રશિયાએ S-400 મિસાઈલના સીક્રેટ ચોરી કરતા ISI એજન્ટને પકડ્યો

November 10, 2025

Pakistan ISI Russia Mission: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચવામાં વ્યસ્ત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રશિયાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના જાસૂસી નેટવર્કને ખુલ્લું પાડી દીધું છે. આ નેટવર્ક S-400 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સ અને હેલિકોપ્ટર ટેક્નોલોજી રશિયા પાસેથી ચોરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ તકનીકો ભારતીય વાયુસેનાના આધુનિક સંરક્ષણ પ્રણાલીનો હિસ્સો હોવાથી, રશિયાની આ કાર્યવાહી ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની ગણાય છે.

મીડિયા અહેવાલ પ્રમાણે, ISI માટે કામ કરતા એક રશિયન નાગરિકની ધરપકડ રશિયાની ગુપ્તચર એજન્સીઓએ સેન્ટ પીટર્સબર્ગમાં કરી. ગુપ્ત દસ્તાવેજોની તસ્કરી થાય તે પૂર્વે જ આ જાસૂસી કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. તેની પાસેથી સૈન્ય હેલિકોપ્ટર અને એર ડિફેન્સ સિસ્ટમ્સના વિકાસમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો મળી આવ્યા છે. 

આ દસ્તાવેજોમાં Mi-8 AMTShV સંબંધિત સંવેદનશીલ તકનીકી માહિતી પણ સામેલ હતી. આ ખુલાસો એવા સમયે થયો છે, જ્યારે ભારતે તાજેતરમાં 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્કને મોટો ફટકો આપ્યો હતો. પાકિસ્તાને વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ S-400 સિસ્ટમ નિર્ણાયક સાબિત થતાં, પાકિસ્તાનના જેટ્સ ભારતની સીમામાં પણ પ્રવેશી શક્યા નહોતા