CM સાહેબ મારે વતન પાછા આવવું છે...' અમેરિકામાં દત્તક લેવાયેલી ઓડિશાની છોકરીએ માગી મદદ

November 10, 2025

ઓડિશાની એક છોકરી જેને લગભગ 7 વર્ષ પહેલાં એક અમેરિકન દંપતીએ દત્તક લીધી હતી, તે હાલમાં પોતાના જીવનના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. છોકરીએ એક ભાવુક વિડિઓ મેસેજમાં મુખ્યમંત્રી મોહન માંઝીને અપીલ કરતા કહ્યું કે, 'CM સાહેબ મારે વતન પાછા આવવું છે, કૃપા કરીને મને ઘરે પાછી લાવો. હું ખૂબ અત્યાચારનો સામનો કરી રહી છું.' પ્રાપ્ત માહિતી પ્રમાણે  બાલાસોરની મૂળ નિવાસી પૂજા ઉર્ફે સેજલને 2018માં એક અમેરિકન દંપતીએ દત્તક લીધી હતી. તે સમયે તે ચાઈલ્ડલાઇન દ્વારા એક આશ્રય ગૃહમાં રહેતી હતી. વિદેશ ગયાના થોડા જ વર્ષોમાં તેનું જીવન નર્ક બની ગયું. પૂજાએ પોતાના વીડિયો મેસેજમાં જણાવ્યું કે, મારે અમેરિકામાં શારીરિક અને માનસિક અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો છે. મારી દત્તક માતા મને રોજિંદા ઘરકામ કરવા દબાણ કરે છે, મને સૂવા કે ખાવા પણ નથી દેતી અને જો તે હું આ બાબતનો વિરોધ કરું તો મારી સાથે મારપીટ કરે છે.  પીડિતાએ એ પણ ખુલાસો કર્યો કે, મારા વિઝા 2023માં સમાપ્ત થઈ ગયા છે અને ત્યારથી હું અહીં કાયદેસર માન્યતા વિના રહું છું. દત્તક માતા મારા પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહી છે અને મારા ઈનકાર કરવા પર મને મારી નાખવાની ધમકી આપી છે. રડતા-રડતા પૂજાએ કહ્યું કે, મારી સાથે ખૂબ મારપીટ કરવામાં આવે છે. હું ઓડિશા પરત ફરવા માગુ છું. CM સાહેબ કૃપા કરી મારી મદદ કરો.  આ મામલો હવે આંતરરાષ્ટ્રીય દત્તક ગ્રહણ પ્રણાલી પર ગંભીર સવાલ ઉભા કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારે તાત્કાલિક વિદેશ મંત્રાલય અને અમેરિકન દૂતાવાસના માધ્યમથી હસ્તક્ષેપ કરવો જોઈએ જેથી છોકરીને સુરક્ષિત ભારત પરત લાવી શકાય. રાજ્ય સરકાર તરફથી હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ સંકેત આપ્યો છે કે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે અને વિદેશ મંત્રાલય અને બાળ સુરક્ષા આયોગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. ઓડિશામાં આ સમાચાર વાયુ વેગે વાઈરલ થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર લોકોએ #BringPujaHome અભિયાન શરૂ કરી દીધુ છે.