વર્લ્ડ નંબર-1 જેનિક સિનરે જીત્યો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ, ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં રચ્યો ઈતિહાસ

January 27, 2025

ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં ઇટાલિયન સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે ધમાલ મચાવી દીધી છે. તેણે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને સીધા સેટમાં 6-3, 7-6(4), 6-3 થી હરાવી દીધો હતો. બંને સ્ટાર્સ વચ્ચેનો આ ફાઇનલ મુકાબલો 2 કલાક અને 42 મિનિટ સુધી ચાલ્યો હતો. વિશ્વના નંબર-1 જેનિક સિનરનું છેલ્લા 13 મહિનામાં આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. તે ગયા ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં ચેમ્પિયન બન્યો હતો જે તેની કારકિર્દીનો પહેલો ગ્રાન્ડ સ્લેમ હતો. આ પછી તેણે યુએસ ઓપન 2024નો ખિતાબ જીત્યો હતો. હવે સિનરે પોતાનો ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલને પણ જીતી લીધું છે. અત્યાર સુધીમાં સીનર ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમ માટેના ફાઈનલમાં પહોંચ્યો હતો અને ત્રણેય વખત ટાઈટલ જીત્યો હયો.  બીજી તરફ વિશ્વના નંબર-2 એલેક્ઝાન્ડર ઝવેરેવ છે. જેમનું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. તે વર્ષ 2015થી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તે ત્રણ વખત ફાઇનલ રમ્યો (વર્તમાન ફાઇનલ સહિત) હતો. પરંતુ દર વખતે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ઝવેરેવ હજુ સુધીમાં કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ જીતી શક્યો નથી. તેણે વર્ષ 2015માં વિમ્બલ્ડન ખાતે તેની પહેલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી હતી. ત્યારથી તે સતત ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી રહ્યો છે, પરંતુ એક પણ વાર ચેમ્પિયન બન્યો નથી.