10-12 નહીં 8,774 સિમ કાર્ડનો ઢગલો મળ્યો, ચૂંટણી પહેલા મોટા કાંડની આશંકા

April 07, 2024

ગોપાલગંજ : લોકસભા ચૂંટણી પહેલા બિહારના ગોપાલગંજમાં 8,774 સિમ કાર્ડ અને નેપાળની કરન્સી મળતા દોડધામ મચી ગઈ છે. આ વાતને ગંભીરતાથી લઈને એન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ અને ઈકોનોમિક ઓફેન્સ યુનિટના અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે, લોકસભા ચૂંટણીમાં ચીન, નેપાળ કે બાંગ્લાદેશથી ગરબડ કરવાનું કાવતરું ઘડાતું હોઈ શકે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સિમ કાર્ડ દિલ્હીથી ફ્લાઈટ દ્વારા ગોરખપુર એરપોર્ટ પર લાવ્યા હતા. ત્યારબાદ નેપાળથી આવેલા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ત્રણ યુવકોને એરપોર્ટ પર જ સિમકાર્ડ રિસીવ કર્યા હતા. સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ઓપરેટ થઈ રહ્યું હતું. તેથી સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીન પણ હોઈ શકે છે.

ધરપકડ કરાયેલા ત્રણ યુવકોએ પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે પોલીસને ઈનપુટ મળ્યા હતા કે તેમાથી બે બાંગ્લાદેશી છે. ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે, 'તપાસ એજન્સીઓ દ્વારા જે પણ મદદ માંગવામાં આવશે તેમાં પોલીસ સહયોગ કરશે.' નોંધનીય છે કે, પાંચમી એપ્રિલે ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસે યુપી-બિહારના બલથરી ચેકપોસ્ટ પર એક કારમાંથી 8 હજાર 774 સિમ કાર્ડ અને 18 હજાર નેપાળની કરન્સી જપ્ત કરી હતી. પકડાયેલા યુવકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો.