મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં 4 મોત, 2 મહિલાઓ સામેલ, તામેંગલોંગ-નોનીમાં રવિવારે બે હુમલા

September 14, 2026

મણિપુરના તામેંગલોંગ અને નોની જિલ્લામાં રવિવારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બે અલગ-અલગ હુમલા કરતાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે તામેંગલોંગમાં વહેલી સવારે લગભગ 4 વાગ્યે થયેલા હુમલામાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 12 કલાક બાદ બીજી એક ઘટના બની હતી અને તેમાં પણ 2 લોકોનાં મોત થયાં હતાં.

અહેવાલ મુજબ, ઈમ્ફાલને જીરીબામ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 નજીક આવેલા ટોલ્લેન કુકી ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ એક ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લિંગનગાઈ સિંગસિટનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ સેઈનૈહ સિંગસિટ અને નવજાત પુત્ર ઘાયલ થયા હતા. ગામમાં પહોંચેલા સુરક્ષા દળોએ ઘાયલોને તબીબી મદદ પહોંચાડી હતી. બાદમાં સેઈનૈહને હોસ્પિટલ લઈ જતી વખતે પડોશી રાજ્ય આસામના સિલચર ખાતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

બીજી ઘટનામાં નોંગબા પોલીસ મથક હેઠળના લોંગપી ગામમાં 13 સપ્ટેમ્બરે બપોરે લગભગ 3:30 વાગ્યે હથિયારબંધ ઉગ્રવાદીઓએ એક મહિલા અને એક પુરુષની ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે બંને મૃતકોની ઓળખ જૂલી ગંગટે અને આર. ગંગટે તરીકે કરી છે. આમ, રવિવારે બનેલી બંને ઘટનાઓમાં કુલ 4 લોકોનાં મોત થયા હતા, જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

મણિપુરના મુખ્યમંત્રી વાઈ. ખેમચંદ સિંહે બંને હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નિર્દોષ નાગરિકો સામે હિંસા કરવી સંપૂર્ણપણે કાયરતા છે. આવી ઘટનાઓ સ્વીકાર્ય નથી અને આપણા સમાજમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.